Nepali Rupee: નેપાળની કેન્દ્રીય બેંક ‘નેપાલ રાષ્ટ્ર બેંક’એ 100 નેપાળી રૂપિયાની નવી નોટો છાપવા માટે એક ચીની કંપનીની પસંદગી કરી
Nepali Rupee: નેપાળે મોટું પગલું ભર્યું છે. તેની નવી નોટો છાપવાનો કોન્ટ્રાક્ટ ચીનની એક કંપનીને આપવામાં આવ્યો છે. નેપાળની કેન્દ્રીય બેંક ‘નેપાલ રાષ્ટ્ર બેંક’એ 100 નેપાળી રૂપિયાની નવી નોટો છાપવા માટે એક ચીની કંપનીની પસંદગી કરી છે. નેપાળે તેની 100 રૂપિયાની નેપાળી નોટમાં મોટો ફેરફાર કર્યો છે. તેમાં નેપાળનો સંશોધિત રાજકીય નકશો પણ બતાવવામાં આવશે. નેપાળની કેબિનેટે પણ આ ડિઝાઇનમાં ફેરફારને મંજૂરી આપી દીધી છે. આ નોટમાં ત્રણ વિસ્તારો લિમ્પિયાધુરા, લિપુલેખ અને કાલાપાનીને નેપાળનો ભાગ ગણાવ્યા છે. જ્યારે આ વિસ્તાર લાંબા સમયથી ભારતનો ભાગ છે.
લગભગ 300 મિલિયન યુનિટ્સ માટે કરાર
દૈનિક રિપબ્લિકાના અહેવાલ મુજબ, આ કરાર હેઠળ 8.99 મિલિયન યુએસ ડોલરની ડીલ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ ચીની પેઢીને 100 નેપાળી રૂપિયાની નોટોના લગભગ 300 મિલિયન યુનિટ ડિઝાઇન અને પ્રિન્ટ કરવા માટે ટેન્ડર આપવામાં આવ્યું છે. નેપાળની સેન્ટ્રલ બેંક નેપાળ રાષ્ટ્ર બેંક (NRB)એ આ જવાબદારી ચાઈના બેંકનોટ પ્રિન્ટિંગ એન્ડ મિન્ટિંગ કોર્પોરેશનને સોંપી છે. 100 નેપાળી રૂપિયાની આ નોટને ફરીથી ડિઝાઇન કરવામાં આવશે. પ્રિન્ટિંગનો ખર્ચ અંદાજે US$8.99 મિલિયન હોવાનો અંદાજ છે. આ સરેરાશ 4 રૂપિયા અને 4 પૈસા પ્રતિ નોટ છે.
નેપાળના સંચાર મંત્રીએ શું કહ્યું?
નેપાળના સંચાર મંત્રી રેખા શર્માએ મીડિયાને જણાવ્યું કે, સરકારે નેપાળ રાષ્ટ્ર બેંકની ચલણી નોટો પરના વર્તમાન નકશાને અપડેટેડ વર્ઝન સાથે બદલવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય આ વર્ષે મે મહિનામાં પુષ્પ કમલ દહલ સરકારના સમયમાં લેવામાં આવ્યો હતો અને ત્યારબાદ NRB દ્વારા લેટર ઓફ ઈન્ટેન્ટ જારી કરવામાં આવ્યો હતો. સેન્ટ્રલ બેંકના પત્રમાં કહેવામાં આવ્યું છે કે, “તમને જાણ કરવામાં આવે છે કે નેપાળી રૂપિયાના 300 મિલિયન ટુકડાઓની ડિઝાઇન અને પ્રિન્ટિંગ માટેનો કોન્ટ્રાક્ટ તમને આપવામાં આવનાર છે. તમારી બિડ US$8,996,592.00 છે.