PM Modiએ તાજેતરમાં વિદેશી રોકાણકારોને ભારતીય બજારમાં રોકાણ કરવાની અપીલ કરી
PM Modi: તાજેતરમાં એક સમિટને સંબોધિત કરતી વખતે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતની ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા અને વૈશ્વિક રોકાણકારોના વિશ્વાસ પર ભાર મૂક્યો હતો. વિખ્યાત વૈશ્વિક રોકાણકાર માર્ક મોબિયસના નિવેદનનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે મોબિયસનો ભારત પ્રત્યેનો પ્રેમ અને તેની વિકાસની સંભાવનાઓ માટેનો ઉત્સાહ ભારતમાં વૈશ્વિક રોકાણ માટે મહત્ત્વપૂર્ણ સૂચક છે. વડા પ્રધાને મોબિઅસના સૂચન પર પ્રકાશ પાડ્યો હતો કે વૈશ્વિક ફંડોએ ભારતીય શેરબજારમાં ઓછામાં ઓછું 50% રોકાણ કરવું જોઈએ, જે તકો અને ભારતના બજારની સંભાવનામાં વિશ્વાસ દર્શાવે છે.
શા માટે ભારતનું બજાર શ્રેષ્ઠ છે?
ભારતીય બજારની વાત કરીએ તો છેલ્લા એક વર્ષમાં સેન્સેક્સે 25% વળતર આપ્યું છે જ્યારે નિફ્ટીએ 28% વળતર આપ્યું છે. અન્ય કોઈપણ દેશના શેરબજારની તુલનામાં આ શ્રેષ્ઠ છે. ભારતીય બજારમાં રોકાણની સૌથી મહત્વની બાબત તેની વધતી અર્થવ્યવસ્થા સાથે સંબંધિત છે. એક તરફ વિશ્વ યુદ્ધની આગથી સળગી રહ્યું છે. બીજી તરફ ભારતનું અર્થતંત્ર ઝડપથી વિસ્તરી રહ્યું છે. વિશ્વ બેંકના પ્રમુખ અજય બંગાએ પણ ભારતીય અર્થવ્યવસ્થાના વખાણ કર્યા છે.
પીએમ મોદીએ દેશની અર્થવ્યવસ્થાની પ્રગતિ વિશે જણાવ્યું
પીએમ મોદીએ એનડીટીવી વર્લ્ડ સમિટમાં તેમની સરકારના ત્રીજા કાર્યકાળના 125 દિવસની પ્રગતિ અંગે પણ ચર્ચા કરી હતી. તેમણે કહ્યું કે આ સમયગાળા દરમિયાન ગરીબો માટે 3 કરોડ નવા મકાનો મંજૂર કરવામાં આવ્યા છે અને રૂ. 9 લાખ કરોડના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત 15 નવી વંદે ભારત ટ્રેનો શરૂ કરવામાં આવી છે અને 8 નવા એરપોર્ટનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.
વડા પ્રધાને વૈશ્વિક અનિશ્ચિતતાઓ વચ્ચે ભારત આશાનું કિરણ બનવા પર પણ ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે જ્યારે વિશ્વ તણાવ અને પડકારોનો સામનો કરી રહ્યું છે, ત્યારે ભારત તેના સકારાત્મક દૃષ્ટિકોણ અને વિકાસના માર્ગને કારણે અગ્રણી ભૂમિકા ભજવી રહ્યું છે. તેમણે કહ્યું કે છેલ્લા 125 દિવસમાં સેન્સેક્સ અને નિફ્ટીમાં 6-7%નો વધારો થયો છે, જ્યારે વિદેશી મુદ્રા ભંડાર 700 અબજ ડોલરને વટાવી ગયો છે.