Royal Enfield: રોયલ એનફિલ્ડના વેચાણમાં 34%નો વધારો, નિકાસમાં પણ જબરદસ્ત વધારો
Royal Enfield ટુ-વ્હીલર ઉત્પાદક દિગ્ગજ રોયલ એનફિલ્ડના વેચાણમાં જબરદસ્ત વધારો થયો છે. માર્ચ 2025 માં રોયલ એનફિલ્ડનું કુલ વેચાણ 34 ટકા વધીને 1,01,021 યુનિટ થયું, જે ગયા વર્ષના સમાન મહિનામાં 75,551 યુનિટ હતું. રોયલ એનફિલ્ડે મંગળવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ગયા મહિને સ્થાનિક વેચાણ 88,050 યુનિટ રહ્યું હતું, જે માર્ચ 2024 માં 66,044 યુનિટની સરખામણીમાં 33 ટકા વધુ છે. આ ઉપરાંત, કંપનીની નિકાસ પણ 36 ટકા વધીને 12,971 યુનિટ થઈ, જ્યારે માર્ચ 2024માં તે 9507 યુનિટ હતી.
રોયલ એનફિલ્ડે 2024-25માં અત્યાર સુધીના સૌથી વધુ વેચાણનો રેકોર્ડ બનાવ્યો
રોયલ એનફિલ્ડે જણાવ્યું હતું કે કંપનીએ નાણાકીય વર્ષ 2024-25માં 10 લાખથી વધુ યુનિટ વેચ્યા હતા અને આ નાણાકીય વર્ષમાં કંપની દ્વારા અત્યાર સુધીનું સૌથી વધુ વેચાણ છે. અગાઉ, કંપનીએ ગયા નાણાકીય વર્ષમાં જેટલી મોટરસાયકલ વેચી હતી તેટલી ક્યારેય એક નાણાકીય વર્ષમાં વેચી ન હતી. કંપનીના જણાવ્યા અનુસાર, નાણાકીય વર્ષ 2024-25માં રોયલ એનફિલ્ડનું કુલ વેચાણ 11 ટકા વધીને 10,09,900 યુનિટ થયું છે. જ્યારે નાણાકીય વર્ષ 2023-24માં કંપનીએ કુલ 9,12,732 મોટરસાયકલ વેચી હતી.
કંપનીની નિકાસમાં પણ વાર્ષિક ૩૭ ટકાનો વધારો જોવા મળ્યો.
નાણાકીય વર્ષ 2024-25માં કંપનીનું સ્થાનિક વેચાણ 9,02,757 યુનિટ રહ્યું, જે નાણાકીય વર્ષ 2023-24માં 8,34,795 યુનિટથી 8 ટકા વધુ છે. કંપનીની નિકાસમાં પણ વાર્ષિક ધોરણે ૩૭ ટકાનો મોટો ઉછાળો જોવા મળ્યો છે જે ૧,૦૭,૧૪૩ યુનિટ પર પહોંચી છે. રોયલ એનફિલ્ડના સીઈઓ અને આઈશર મોટર્સના મેનેજિંગ ડિરેક્ટર બી. ગોવિંદરાજને કહ્યું, “રોયલ એનફિલ્ડ માટે આ વર્ષ ખૂબ સારું રહ્યું છે. વાર્ષિક વેચાણમાં 10 લાખનો આંકડો પાર કરવો એ અમે જે પ્રાપ્ત કર્યું છે તેનો પુરાવો છે.” તમને જણાવી દઈએ કે ટુ-વ્હીલર કંપની રોયલ એનફિલ્ડ ટ્રેક્ટર અને ટ્રક ઉત્પાદક આઈશર મોટર્સની પેટાકંપની છે.