Samsung Strike
Samsung Worker’s Strike: સેમસંગના 55 વર્ષ જૂના ઈતિહાસમાં કર્મચારીઓની આ સૌથી મોટી હડતાળ હોવાનું કહેવાય છે. ગયા મહિને પણ કર્મચારીઓ એક દિવસની હડતાળ પર ગયા હતા.
ઈલેક્ટ્રોનિક્સ અને સ્માર્ટફોનનું ઉત્પાદન કરતી વિશ્વની સૌથી પ્રખ્યાત કંપનીઓમાંની એક સેમસંગ એક નવી સમસ્યાનો સામનો કરી રહી છે. દક્ષિણ કોરિયાની કંપની સેમસંગ ઈલેક્ટ્રોનિક્સના હજારો કર્મચારીઓ સોમવારથી હડતાળ પર ઉતરી ગયા છે. સેમસંગના ઈતિહાસમાં કર્મચારીઓની આ સૌથી મોટી હડતાળ છે.
55 વર્ષના ઈતિહાસની સૌથી મોટી હડતાળ
સેમસંગના કર્મચારીઓ પોતાની વિવિધ માંગણીઓને લઈને હડતાળ પર ઉતરી ચુક્યા છે. અગાઉ ગત મહિના દરમિયાન સેમસંગના કર્મચારીઓ એક દિવસીય હડતાળ પર ગયા હતા. માંગણીઓ ન માનતા મામલો આગળ વધ્યો છે અને હવે તેઓ ફરી હડતાળ પર ઉતર્યા છે. સેમસંગ કર્મચારીઓની આ હડતાલ 3 દિવસની છે. સેમસંગના 55 વર્ષના ઈતિહાસમાં આને સૌથી મોટી હડતાલ ગણાવવામાં આવી રહી છે.
કર્મચારીઓની આ હડતાલ સેમસંગના સેમિકન્ડક્ટર (ચિપ) ઉત્પાદનને અસર કરી શકે છે. રિપોર્ટમાં કર્મચારી યુનિયનના એક નેતાને ટાંકીને કહેવામાં આવ્યું છે કે કર્મચારીઓ કંપનીની સૌથી અદ્યતન ચિપ સુવિધાઓમાંથી એકના ઉત્પાદનમાં વિક્ષેપ કરીને તેમનો સંદેશ સ્પષ્ટ કરવા માંગે છે.
સેમસંગના ચિપના ઉત્પાદનને અસર થશે
યુનિયનનું ધ્યેય સેમસંગના હવાસેઓંગ સ્થિત સેમિકન્ડક્ટર પ્લાન્ટની બહાર 5 હજાર લોકોને એકત્ર કરવાનું છે. જો કે હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે સેમસંગ કર્મચારી સંઘની અપીલ પર કેટલા કર્મચારીઓ નોકરી છોડવા જઈ રહ્યા છે. જો કે તે પછી પણ આજથી શરૂ થયેલી ત્રણ દિવસની હડતાળને કારણે સેમસંગના ચિપના ઉત્પાદનને અસર થવાની વાત લગભગ નિશ્ચિત છે.
સેમસંગના કર્મચારીઓ આ કારણોસર ગુસ્સે છે
ખરેખર, સેમસંગના કર્મચારીઓ પગાર અને રજાને લઈને અસંતુષ્ટ છે. લેબર યુનિયન નેશનલ સેમસંગ ઈલેક્ટ્રોનિક્સ યુનિયન કે જેમાં 28 હજારથી વધુ કર્મચારીઓની સભ્યપદ છે, તે કહે છે કે પગાર ધોરણ અંગેની વાતચીતમાં કોઈ ઉકેલ ન આવ્યો હોવાથી મામલો આગળ વધી રહ્યો છે. ગયા વર્ષે, ચિપ યુનિટમાં કામ કરતા કર્મચારીઓને ચિપ બિઝનેસમાં થયેલા નુકસાનનું કારણ આપીને બોનસ ચૂકવવામાં આવ્યું ન હતું. કંપની અને કર્મચારીઓ વચ્ચેના વિવાદને વધારવામાં આ પણ મહત્વનો મુદ્દો છે.