નવી દિલ્હી: વસ્તુ અને સેવા કર (જીએસટી) કાઉન્સિલે મધ્યમ અને મોટા કદની એસયુવી તેમ જ લક્ઝરી કાર પરનો સેસ ૧૫ ટકાથી વધારીને પચીસ ટકા કરવાની પરવાનગી આપતાં પહેલી જુલાઇથી અમલી બનેલા ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ-જીએસટીને પગલે સસ્તી થયેલી મધ્યમ અને મોટા કદની એસયુવી, લક્ઝરી કાર હવે મોંઘી થશે.
જીએસટીના અમલને કારણે રાજ્ય સરકારોને જનારાં નુકસાનની ભરપાઈ કરી શકાય તે માટે નવું ભંડોળ ઊભું કરવા નવા જીએસટી કાયદા અંતર્ગત કાર પર ૨૮ ટકા જીએસટી લાગુ કરવામાં આવ્યો હોવા ઉપરાંત તેનાં પર ૧ થી ૧૫ ટકા સેસ લાગુ કરવામાં આવ્યો હતો.
નાણાં ખાતા દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે જીએસટીના અમલ બાદ કાર પરનો કુલ કરવેરો (જીએસટી અને સેસ) જીએસટીના અમલ પહેલા લાગુ પડતા કુલ કરવેરા કરતા ઘટી ગયો હતો.
પાંચ ઑગસ્ટે યોજાયેલી જીએસટી કાઉન્સિલની ૧૫મી બેઠકમાં આ મુદ્દે ચર્ચાવિચારણા કરવામાં આવી હતી અને ત્યાર બાદ મધ્યમ અને મોટા કદની એસયુવી, લક્ઝરી કાર પર ૨૮ ટકા જીએસટી ઉપરાંત પચીસ ટકા સેસ લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જોકે આ વધારો ક્યારથી લાગુ કરવો એ અંગેનો નિર્ણય જીએસટી કાઉન્સિલ દ્વારા થોડા જ સમયમાં લેવામાં આવશે, એમ નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું.
સેસમાં વધારો કરવા માટે જીએસટી એક્ટ ૨૦૧૭ની કલમ ૮માં સુધારો કરવો પડશે.