લોકશાહીના ચોથા સ્તંભ પર તરાપ: રોલા ગ્રામવિકાસ ટ્રસ્ટના કાર્યક્રમમાં પત્રકારો સાથે ગુંડાગીરી, ચિંતન પટેલની ટીમ સાવ નિષ્ફળ
વલસાડ: રોલા ગ્રામવિકાસ ટ્રસ્ટના પ્રમુખ ચિંતન પટેલ દ્વારા આયોજિત ‘નામોત્સવ’ કાર્યક્રમમાં વ્યવસ્થાના નામે ધાંધિયા જોવા મળ્યા હતા. મોટા ઉપાડે કરાયેલા આયોજનમાં શિસ્ત અને સભ્યતાના લિરેલીરા ઉડ્યા હતા. આયોજકોની અણઆવડતના કારણે પત્રકારોને કાર્યક્રમ કવર કરવાને બદલે અપમાનિત થઈને પાછા ફરવું પડ્યું હતું.
જીગ્નેશ નંદાની નિષ્ફળતા અને મીડિયા પર તરાપ
કાર્યક્રમની જવાબદારી જેમના શિરે હતી તેવા જીગ્નેશ નંદા વ્યવસ્થા સંભાળવામાં સાવ વામણા પુરવાર થયા હતા. લોકશાહીના ચોથા સ્તંભ સમાન પત્રકારોને ફરજ બજાવતા રોકવામાં આવ્યા હતા અને કેમેરા ખોલવા પર પણ પ્રતિબંધ જેવું વલણ અપનાવવામાં આવ્યું હતું. મીડિયા વગર પોતાની વાહવાહી ઈચ્છતા આયોજકોની આ મનસ્વી નીતિ સામે રોષ ફાટી નીકળ્યો છે.
સિક્યોરિટી ગાર્ડની ગુુંડાગીરી: ભાજપના પદાધિકારી પણ ન બચ્યા હદ તો ત્યારે થઈ જ્યારે વલસાડ જિલ્લા ભાજપ મીડિયા ઇન્ચાર્જ સાથે પણ ત્યાં તૈનાત સિક્યોરિટી ગાર્ડે અભદ્ર વર્તન કર્યું હતું. ચિંતન પટેલના નેતૃત્વ હેઠળના આ કાર્યક્રમમાં સિક્યોરિટી ગાર્ડ્સ જાણે કાયદો હાથમાં લઈ બેઠા હોય તેમ પત્રકારો અને પદાધિકારીઓ સાથે ગેરવર્તન કરી રહ્યા હતા.
ટ્રસ્ટીઓની મીડિયા પ્રત્યેની અવગણના રોલા ગ્રામવિકાસ ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ જાણે પત્રકારોની કોઈ કિંમત જ ન હોય તેમ સંપૂર્ણ અવગણના કરી હતી. જે ટ્રસ્ટ ગ્રામવિકાસના દાવા કરે છે, તે જ ટ્રસ્ટના કાર્યક્રમમાં મીડિયાકર્મીઓની સુરક્ષા અને સન્માન જાળવવામાં પ્રમુખ ચિંતન પટેલ અને તેમની ટીમ નિષ્ફળ રહી છે.
કડક શબ્દોમાં વિરોધ: પત્રકારો સાથે થયેલું આવું વર્તન સાંખી લેવાય તેમ નથી. આયોજકોએ પોતાની ભૂલ સુધારવાને બદલે જે અહંકાર બતાવ્યો છે, તેનાથી પત્રકાર આલમમાં ભારે નારાજગી છે.


