કિશ્તવાડમાં વાદળ ફાટવાથી મોટી દુર્ઘટના, 36 લોકોના મોત; સેના બચાવકાર્યમાં લાગી
જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં વાદળ ફાટવાની ગંભીર ઘટના બની છે, જેના કારણે ભારે જાનહાનિ થઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, કિશ્તવાડના ચાશોટી ગામમાં આ દુર્ઘટના સર્જાઈ છે. સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (SDRF)ના ADGPના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં ઓછામાં ઓછા ૩૬ લોકોના મોત થયા છે અને ૫૦થી વધુ લોકો ઘાયલ થયા છે. મૃત્યુઆંક હજુ પણ વધી શકે તેવી આશંકા છે. આ ઘટના બાદ આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે.
ભારતીય સેના બચાવ અને રાહત કાર્યમાં જોડાઈ
આ મોટી દુર્ઘટના બાદ બચાવ અને રાહત કાર્ય તાત્કાલિક શરૂ કરી દેવામાં આવ્યું છે. ભારતીય સેનાની વ્હાઇટ નાઈટ કોર્પ્સના સૈનિકો રાહત અને બચાવ કાર્ય માટે ઘટનાસ્થળે પહોંચી ગયા છે. સૈનિકોની પ્રાથમિકતા ભોગ બનેલા લોકોને બચાવવાની અને ફસાયેલા લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડવાની છે. સેનાની ટીમો રાહત સામગ્રી, તબીબી ટીમ અને બચાવ માટે જરૂરી સાધનો સાથે પહોંચી ગઈ છે. ગુમ થયેલા લોકોની શોધખોળ પણ સઘન રીતે ચાલી રહી છે.
ઘાયલોને હોસ્પિટલમાં દાખલ
આ દુર્ઘટનામાં ઘાયલ થયેલા લોકોને કિશ્તવાડની સ્થાનિક હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમની સારવાર ચાલી રહી છે અને સ્થાનિક પ્રશાસન દ્વારા તેમને તમામ જરૂરી તબીબી સહાય પૂરી પાડવામાં આવી રહી છે. વાદળ ફાટવાને કારણે ગામમાં ભારે નુકસાન થયું છે. ઘણા મકાનો ધરાશાયી થયા છે અને રસ્તાઓ પણ બંધ થઈ ગયા છે. જેના કારણે બચાવ કાર્યમાં પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
સતત વધી રહેલો મૃત્યુઆંક
શરૂઆતમાં ૩૨ લોકોના મોત થયા હોવાનું જાણવા મળ્યું હતું, પરંતુ બચાવ કામગીરી આગળ વધતા મૃત્યુઆંક ૩૬ પર પહોંચ્યો છે. હજુ પણ ઘણા લોકો કાટમાળ નીચે ફસાયેલા હોવાની શક્યતા છે, તેથી મૃત્યુઆંક વધી શકે છે. આ ઘટના પર કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંનેની નજર છે. વહીવટીતંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને પીડિતોને તમામ શક્ય મદદ પૂરી પાડવામાં આવી રહી છે.