જયપુર : સોમવારે ઇન્ડિયન પ્રીમિયર લીગની ૧૨મી સિઝનની પોતાની પ્રથમ મેચમાં અહીં રાજસ્થાન રોયલ્સ કિંગ્સ ઇલેવન પંજાબ સામે મેદાને પડશે ત્યારે બધાની નજર આઇપીઍલના મેદાન પર વાપસી કરી રહેલા ઓસ્ટ્રેલિયાના માજી કેપ્ટન સ્ટીવ સ્મીથ પર હશે. સ્મીથ માટે સ્પર્ધાત્મક ક્રિકેટ ક્ષેત્રે પાછા ફરવા માટે આઇપીઍલ ખરા અર્થમાં યોગ્ય શરૂઆત ગણાશે અને સ્મીથ પણ આઇપીઍલનું મહત્વ સમજતો હોવાથી તે ઇંગ્લેન્ડમાં રમાનારા વર્લ્ડ કપ પહેલા આ લીગનો જેમ બને તેમ વધુ ફાયદો ઉઠાવવા માગશે.
અશ્વિનની આગેવાની હેઠળની પંજાબની ટીમ પોતાના વિસ્ફોટક અોપનર ક્રિસ ગેલ અને લોકેશ રાહુલ આક્રમક શરૂઆત અપાવે તેના પર નિર્ભર હશે. કેપ્ટન અશ્વિન ઍ સાબિત કરવા આતુર રહેશે કે તે આ ફોર્મેટમાં પણ પોતાની છાપ છોડી શકે છે. મહંમદ શમી, ઍન્ડ્રુ ટાય અને મુજીબુર રહેમાનની હાજરીને કારણે પંજાબનું બોલિંગ આક્રમણ મજબૂત જણાય છે.
અજિંકેય રહાણેની આગેવાની હેઠળની રાજસ્થાન રોયલ્સ આ સિઝનની સર્વશ્રેષ્ઠ ટીમોમાંથી ઍક છે. અને તેઅો આવતીકાલે પોતાના ઘરઆંગણે રમવાનો ફાયદો ઉઠાવવા માગશે. ઇંગ્લીશ ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ અને જાસ બટલર આ ટીમનો હિસ્સો છે. પણ ૨૫ ઍપ્રિલ પછી તેમની સેવાનો લાભ નહીં મળે, કારણકે ઇંગ્લેન્ડ ઍન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડે તેમને ત્યાં સુધીમાં પરત ફરવા વર્લ્ડકપ માટે ફરમાન જારી કર્યુ છે. તેથી રાજસ્થાનની ટીમ જેમ બને તેમ ત્યાં સુધીમાં તેમનો ફાયદો ઉઠાવીને વધુ મેચ જીતવા માગશે.
