ચેન્નઇ : એક એવી કહેવત છે કે ઝાઝા રસોઇયા રસોઇ બગાડે, આ ઉક્તિ વિરાટ કોહલીની આગેવાની હેઠળની આઇપીએલ ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે 100 ટકા સાચી પડી છે. ઘણાં બધા સ્ટાર ખેલાડીઓ ધરાવતી આરસીબી અત્યાર સુધી એકેય વાર આઇપીએલનું ટાઇટલ જીતી શકી નથી. 23 માર્ચે વિરાટ કોહલીની આગેવાની હેઠળની આરસીબીની ટીમ જ્યારે ચેન્નઇ સુપર કિંગ્સ સામે રમીને પોતાના અભિયાનની શરૂઆત કરશે ત્યારે તેઓ પહેલી મેચથી જ પ્રભુત્વ સ્થાપવાનો ઇરાદો ધરાવતા હશે.
આઇપીએલ 2018માં છઠ્ઠા સ્થાને રહેલી વિરાટ બ્રિગેડ આ વર્ષે જૂની યાદોને ભુલીને દમદાર શરૂઆત કરવા માગશે. ત્યારે તેની ટીમના પાંચ ખેલાડીઓ પર બધાની નજર હશે. આ પાંચેય ખેલાડી એવા છે કે જે એકલા હાથે મેચનું પાસુ પલટી શકે છે. જેમાં કેપ્ટન વિરાટ કોહલી, યજુવેન્દ્ર ચહલ, માર્કસ સ્ટોઇનીસ, શિમરોન હેટમાયર અને એબીડીના નામે જાણીતો કિમીયાગર એબી ડિવિલિયર્સનો સમાવેશ થાય છે. તો જાણીએ આ પાંચેય ખેલાડીઓ અને તેમની તાકાત વિશે.
વિરાટ કોહલી : હાલના સમયમાં ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં વિરાટ કોહલીની ગણતરી સર્વશ્રેષ્ઠ બેટ્સમેનોમાં થાય છે. તે આઇપીએલ ઇતિહાસમાં સર્વાધિક રન કરવા મામલે સુરેશ રૈના પછી બીજા ક્રમે છે. કોહલી છેલ્લા છ વર્ષથી આરસીબીનું સુકાન સંભાળે છે પણ તે એકેય વાર ટીમને ટાઇટલ જીતાડી શક્યો નથી. જો કે પહેલા કરતાં તે વધુ પિરપક્વ બેટ્સમેન અને કેપ્ટન બન્યો હોવાથી આ વખતે આરસીબી ઇતિહાસ બદલે તો તેમાં નવાઇની કોઇ વાત નથી.
એબી ડિવિલિયર્સ : દક્ષિણ આફિકન ખેલાડી એબી ડિવિલિયર્સ પોતાની જોરદાર બેટિંગ અને અફલાતૂન ફિલ્ડીંગ વડે એકલા હાથે મેચ જીતાડવાનો પાવર ધરાવે છે. ડિવિલિયર્સ આરસીબી વતી સર્વાધિક રન કરવા મામલે કોહલી અને ગેલ પછી ત્રીજા ક્રમે છે. 2011થી આરસીબી સાથે જોડાયા પછી તે સતત સારું પ્રદર્શન કરનારા ખેલાડીઓમાંથી એક છે. તેણે આઇપીએલમાં 3 સદી અને 28 અર્ધસદીની મદદથી 150ની સ્ટ્રાઇક રેટથી 3953 રન કર્યા છે.
માર્કસ સ્ટોઇનીસ : આરસીબીએ ટ્રાન્સફર વિન્ડોથી આ સિઝનમાં મનદીપ સિંહના સ્થાને ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર માર્કસ સ્ટોઇનીસને પોતાની ટીમમાં સમાવ્યો છે. 2019માં ઓસ્ટ્રેલિયાની વનડે ટીમનો સર્વશ્રેષ્ઠ ખેલાડી જાહેર થયેલો સ્ટોઇનીસ બેટ અને બોલ બંને વડે કમાલ કરી શકે છે. તેના સ્લોઅર બોલ બેટ્સમેનો પારખી નથી શકતા અને તેનો સીધો ફાયદો થાય છે. જો કે આઇપીએલમાં તે અત્યાર સુધી એટલો પ્રભાવી રહ્યો નથી, કદાચ ટીમ બદલાતા તેના પ્રદર્શનમાં પણ બદલાવ આવે તેવી આશા રખાય છે.
શિમરોન હેટમાયર : આરસીબીની ટીમમાં કોહલી અને ડિવિલિયર્સની હાજરીને કારણે આક્રમક બેટિંગમાં કોઇ કસર બાકી રહેતી નથી, અને તેમાં હવે આ વખતે વેસ્ટઇન્ડિઝનો યુવા આક્રમક બેટ્સમેન શિમરોન હેટમાયર તેમની સાથે જોડાયો છે અને તેના કારણે આરસીબીની આક્રમકતા હવે ચરમસીમાએ જવાની સંભાવના છે. હેટમાયરે ભારતના છેલ્લા પ્રવાસમાં સતત બે વનડેમાં 78 બોલમાં 106 અને 64 બોલમાં 94 રનની રમેલી ઇનિંગ ક્રિકેટ ચાહકોને યાદ જ હશે.
યજુવેન્દ્ર ચહલ : કાંડાના કિમીયાગર તરીકે જાણીતો યજુવેન્દ્ર ચહલ એ 14 ખેલાડીઓમાંથી એક છે જેને આરસીબીએ હરાજી શરૂ થવા પહેલા રિટેન કર્યો હતો. તે 2014થી આ ટીમનો હિસ્સો છે અને અત્યાર સુધી તે આઇપીએલમાં 82 વિકેટ લઇ ચુક્યો છે. હાલની સિઝનમાં તે ભાગીદારીઓ તોડવા માટે કોહલીનું મારક હથિયાર સાબિત થઇ શકે છે. ઇન્ટરનેશનલ ક્રિકેટ રમીને કુલદીપની સાથે રહીને તે ઘણો ઘડાયો છે અને તે આ આઇપીએલમાં કદાચ સૌથી મહત્વનો ખેલાડી પુરવાર થઇ શકે છે.