નવી દિલ્હી : ઇન્ડિયન પ્રીમિયર લીગના ચેરમેન રાજીવ શુક્લાએ એવો દાવો કર્યો છે કે વિરાટ કોહલી, મહેન્દ્ર સિંહ ધોની સહિતના આઇપીએલ કેપ્ટનોની એક બેઠકમાં એવું નક્કી કરવામાં આવ્યું હતું કે કોઇ બેટ્સમેનને માંકડિંગ કરવા નહીં આવે. કિંગ્સ ઇલેવન પંજાબના કેપ્ટન અશ્વિને સોમવારે જયપુરમાં રાજસ્થાન રોયલ્સ સામેની મેચમાં જોસ બટલરને માંકડિંગ આઉટ કરીને નવા વિવાદને જન્મ આપ્યો છે.
રાજીવ શુક્લાએ કહ્યું હતું કે કેપ્ટનો અને મેચ રેફરીઓની બેઠકમાં એવું નક્કી કરાયું હતું કે આ પ્રકારે કોઇ બેટ્સમેનને આઉટ કરવામાં નહીં આવે. એ બેઠકમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના કેપ્ટન વિરાટ કોહલી અને ચેન્નઇ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની પણ હાજર હતા.
તેમણે ટિ્વટ કરતાં કહ્યું હતું કે જ્યાં સુધી મને યાદ છે ત્યાં સુધી કેપ્ટનો અને મેચ રેફરીઓની બેઠક હતી અને તેમાં હું આઇપીએલ ચેરમેન તરીકે હાજર રહ્યો હતો. તેંમાં નક્કી કરાયું હતું કે જ્યારે નોન સ્ટ્રાઇકર ક્રિઝ પરથી બહાર નીકળી જાય તો પણ બોલર શિષ્ટાચાર દાખવીને તેને આઉટ નહીં કરે. કદાચ એ બેઠક કોલકાતામાં આઇપીએલની કોઇ એક સિઝન પહેલા થઇ હતી. તેમાં ધોની અને વિરાટ હાજર હતા. એ ઉલ્લેખનીય છે કે આઇપીએલની 12મી સિઝન સુધીમાં આ પ્રકારની માંકડિંગ રનઆઉટની પહેલી ઘટના બની છે.