ચેન્નઇ : આઇપીએલની 12મી સિઝનની શનિવારથી શરૂઆત થઇ રહી છે, અને પ્રથમ મેચમાં જ ચેન્નઇ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે જંગ જામશે તેની સાથે જ બંને ટીમના એક એક ખેલાડી વચ્ચે એક ખાસ રેકોર્ડ પુરો કરવાની હોડ જામશે. આ મેચમાં આરસીબીનો કેપ્ટન વિરાટ કોહલી અને સીએસકેનો સ્ટાર બેટ્સમેન સુરેશ રૈના આઇપીએલમાં 5000 રન પુરા કરવાનો પ્રયાસ કરશે.
સુરેશ રૈના અત્યાર સુધી 176 મેચમાં 38.35ની એવરેજ સાથે 4885 રન બનાવી ચુક્યો છે. જ્યારે વિરાટ કોહલીના નામે 163 મેચમાં 38.35ની એવરેજે 4948 રન નોંધાયેલા છે. આઇપીએલમાં 5000 રન પુરા કરનારા પ્રથમ બેટ્સમેન બનવા માટે વિરાટને 52 તો રૈનાને માત્ર 15 રનની જરૂર છે. જો રૈના આ આંકડો પુરો કરીને 5000 રન પુરા કરી લઇને આઇપીએલનો પ્રથમ બેટ્સમેન બનશે તો પણ કોહલી પાસે સૌથી ઓછી મેચમાં 5000 રન પુરા કરવાનો રેકોર્ડ તો હશે જ. કારણ રૈનાએ 176 મેચ રમી છે, જ્યારે કોહલીએ અત્યાર સુધી 163 મેચ જ રમી છે.
ડેવિડ વોર્નરના સર્વાધિક અર્ધસદીના રેકોર્ડની બરોબરી કરવાની પણ કોહલી પાસે તક
આ સિવાય વિરાટ કોહલી પાસે આ મેચમાં ડેવિડ વોર્નરના આઇપીએલમાં સર્વાધિક 39 અર્ધ સદીના રેકોર્ડની બરોબરી કરવાની પણ તક હશે. કોહલીના નામે અત્યાર સુધી આઇપીએલમાં 38 અર્ધસદી નોંધાયેલી છે અને તે સર્વાધિક અર્ધસદી મામલે વોર્નર પછી બીજા ક્રમે છે.