ચેન્નઇ : આઇપીઍલની 12મી સિઝન હવે તેના અંતિમ તબક્કામાં પહોંચી ચુકી છે અને મંગળવારે અહીંના ચેપોક સ્ટેડિયમ પર ચેન્નઇ સુપર કિંગ્સ અને મુંબઇ ઇન્ડિયન્સ વચ્ચે પ્રથમ ક્વોલિફાયર મેચ રમાશે ત્યારે ચેન્નઇ સુપર કિંગ્સનો ઇરાદો પોતાના હોમ ગ્રાઉન્ડ લાભ ઉઠાવીને મુંબઇને પછાડી ફાઇનલ પ્રવેશ કરવાનો છે. સામા પક્ષે મુંબઇ ઇન્ડિયન્સે પણ આઇપીઍલ, તેમજ ચેપોક સ્ટેડિયમ પરના પોતાના ઇતિહાસને ધ્યાનમાં રાખીને ચેન્નઇ સામે વળતો પ્રહાર કરવાની તૈયારી કરી લીધી છે. બંને ટીમમાંથી જે ટીમ જીતશે તે 12મી મેના રોજ ફાઇનલમાં રમશે. જ્યારે હારનારી ટીમ ઍલિમિનેટરની વિજેતા ટીમ સામે બીજી ક્વોલિફાયરમાં રમશે.
બંને ટીમ વચ્ચે આઇપીઍલ અને ચેમ્પિયન્સ લીગ મળીને કુલ ૨૮ મેચમાંથી મુંબઇ ૧૬ અને ચેન્નઇ ૧૨ જીત્યું છે
બંને ટીમો વચ્ચે રમાયેલી મેચો પર નજર નાંખીઍ તો ઍ સમજાય છે કે મુંબઇ ઇન્ડિયન્સ ચેન્નઇ સુપર કિંગ્સ પર થોડી સરસાઇ ધરાવે છે. આમ તો બંને ટીમ 3-3વાર આ ટાઇટલ જીતી ચુકી છે. બંને ટીમ વચ્ચે આઇપીઍલ અને ચેમ્પિયન્સ લીગ ટી-20 મળીને કુલ 28 મેચ રમાઇ છે, જેમાંથી મુંબઇઍ 16તો ચેન્નઇઍ 12 મેચ જીતી છે. માત્ર આઇપીઍલની વાત કરવામાં આવે તો બંને વચ્ચે કુલ 26 મેચ રમાઇ છે, જેમાંથી મુંબઇઍ 15 અને ચેન્નઇઍ 11 મેચ જીતી છે. હવે જો ચેપોક સ્ટેડિયમને ધ્યાને લેવામાં આવે તો અહીં પણ મુંબઇનો જ હાથ ઉપર છે. બંને વચ્ચે અહીં 7 મેચ રમાઇ છે, જેમાંથી 5 મુંબઇઍ અને 2 ચેન્નઇઍ જીતી છે. હાલની આઇપીઍલમાં બંને ટીમ ઍકબીજા સામે 2 વાર આવી અને બંને મેચ મુંબઇઍ જીતી છે.
બંને ટીમના આઇપીઍલના લેખાજાખા ચેપક સ્ટેડિયમમાં બંને વચ્ચે રમાયેલી મેચ
કુલ મેચ મુંબઇ જીત્યું ચેન્નઇ જીત્યું કુલ મેચ મુંબઇ જીત્યુ ચેન્નઇ જીત્યુ
26 15 11 7 5 2
પ્લેઓફમાં ચેન્નઇનું અને ફાઇનલમાં મુંબઇનું વર્ચસ્વ
આઇપીઍલ પ્લેઓફની જો વાત કરવામાં આવે તો અહીં ચેન્નઇ મુંબઇ પર સરસાઇ ભોગવે છે. બંને વચ્ચે પ્લેઓફની ૪ મેચ રમાઇ છે. જેમાંથી 3 મેચ ચેન્નઇ સુપર કિંગ્સે જીતી છે, જ્યારે મુંબઇ માત્ર 1 મેચ જીતી શક્યું છે. આ ઉપરાંત બંને ટીમ વચ્ચે 3 વાર ફાઇનલ જંગ રમાયો છે, જેમાંથી મુંબઇ 2 વાર જ્યારે ચેન્નઇ 1 વાર જીત્યું છે.