ક્રિકેટ જગત અને ક્રિકેટના રસિયાઓને આંચકો લાગે તેવા દુખદ સમાચાર આવ્યા છે. ન્યૂઝીલેંડના પૂર્વ કેપ્ટન અને રાષ્ટ્રીય ટીમના પૂર્વ પસંદગીકાર જોન રીડનું નિધન થઈ ગયુ છે. તેમણે 92 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધો. રીડે 1956માં વેસ્ટઈંડીઝ વિરુદ્ધ ન્યૂઝિલેન્ડની પ્રથમ ટેસ્ટ જીતી હતી, જેમાં તેમણે કેપ્ટનશી કરી હતી. તેમણે 34 મેચમાં ટીમનું નેતૃત્વ કરેલુ છે. રીડને 2013માં આંતરડાનું ઓપરેશન કર્યુ હતું. જે બાદ તેમની તબિયત ખૂબ બગડતી ગઈ હતી.
જોન રીડ એક સારા ક્રિકેટર હોવાની સાથે સાથે તેઓ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (આઈસીસી)ના મેચ રેફરી પણ રહ્યા હતા. તેઓ 1959માં જ વિજડન ક્રિકેટર ઓફ દ ઈયર તરીકે પસંદગી પામ્યા હતા. રીડે 1949માં માન્ચેસ્ટરમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ શરૂઆત કરી હતી.
તેમણે ન્યૂઝિલેન્ડ માટે 58 ટેસ્ટ મેચ રમી છે અને જેમાં તેમણે 3428 રન પણ બનાવ્યા છે. તેમના નામે ટેસ્ટમાં છ સદી અને 22 અડધી સદી નોંધાયેલી છે. રીડે 246 ક્રિકેટ મેચમાં 10535 રન બનાવ્યા હતા. આ ઉપરાંત 85 ટેસ્ટ વિકેટ પણ ઝડપી છે. રીડે 1965માં ક્રિકેટમાંથી સંન્યાસ લીધો હતો.