બેંગલુરૂ : આઇપીઍલની ૧૨મી સિઝનમાં આવતીકાલે અહીં જ્યારે રોયલ ચેલેન્જર્સ અને મુંબઇ ઇન્ડિયન્સની ટીમ મેદાન પર ઉતરશે ત્યારે બધાની નજર વનડે ક્રિકેટમાં વિશ્વના નંબર વન બેટ્સમેન વિરાટ કોહલી અને નંબર વન બોલર જસપ્રીત બુમરાહ વચ્ચે થનારા જંગ પર રહેશે. દિલ્હી કેપિટલ્સ સામેની પ્રથમ મેચમાં ઘાયલ થયેલો બુમરાહ ફરી ફીટ થઇ જતાં મુંબઇની ટીમની ચિંતા ઓછી થઇ છે.
બંને ટીમ પોતપોતાની પ્રથમ મેચ હારી ગઇ છે તેથી તેઅો બંને પ્રથમ વિજય મેળવવા માટે આતુર હશે. સાથે જ બંને ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને રોહિત શર્મા પહેલી મેચમાં કંઇ ખાસ કરી શક્યા નથી તેથી તેઅો પણ બીજી મેચમાં પોતાની બેટ્સમેન તરીકેની જવાબદારી યોગ્ય રીતે નિભાવવા માગશે. આવતીકાલની મેચમાં મુંબઇ ઇન્ડિયન્સના યુવરાજ સિંહ પર પણ બધાની નજર રહેશે, જેણે દિલ્હી કેપિટલ્સ સામેની પહેલી મેચમાં અર્ધસદી ફટકારી હતી. શ્રીલંકન બોર્ડે પોતાના બોલર લસિથ મલિંગાને આઇપીઍલ રમવાની મંજૂરી મળતા તે મુંબઇની ટીમ સાથે જાડાઇ જતા તેમનું બોલિંગ આક્રમણ વધુ મજબૂત બન્યું છે. આ તરફ બેંગ્લોરની ઇચ્છા તેના બેટ્સમેન મોટો સ્કોર ઊભો કરે તેવી હશે, કારણ ચેન્નઇ સામેની પહેલી મેચમાં તેમની ટીમ ૧૭.૧ ઓવરમાં ૭૦ રને ઓલઆઉટ થઇ હતી.
