નવી દિલ્હી : ચેન્નઇ સુપર કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સની ટીમ ઇન્ડિયન પ્રીમિયર લીગમાં મંગળવારે જ્યારે ઍકબીજાની સામે આવશે ત્યારે બંનેનો ઇરાદો પોતાની વિજયી લય જાળવી રાખવાનો હશે. ચેન્નઇ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીઍ મુંબઇ ઇન્ડિયન્સ સામે માત્ર ૨૭ બોલમાં ૭૮ રનની ઇનિંગ રમીને ગેમ ચેન્જર બનેલા ઋષભ પંતને કાબુમાં રાખવા અલાયદી યોજના ઘડવી પડશે.
ફિરોઝ શા કોટલા મેદાન પર યજમાન ટીમમાં યુવા ખેલાડીઓ ભલે જોશથી ભર્યા હોય પણ ધોનીની ટીમ સામે પોતાના હોમ ગ્રાઉન્ડ પર દિલ્હીનો રેકોર્ડ ઍટલો સારો નથી. વળી કોટલાની ધીમી વિકેટ પણ ધોનીની ટીમને વિજયની દાવેદાર બનાવે છે. હરભજન સિંહ, રવિન્દ્ર જાડેજા અને ઇમરાન તાહિરની સ્પિન ત્રિપુટી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામેની ઓછા સ્કોર વાળી મેચમાં પોતાની ઉપયોગીતા સાબિત કરી ચુકી છે. પંતને સ્પિનર સામે રમવામાં મુશ્કેલી પડે છે અને તેની સાથે ઇન્ટરનેશનલ ક્રિકેટ રમી ચુકેલો ધોની તેની ઍ નબળાઇ જાણતો જ હશે.
આરસીબી સામેની મેચમાં મેન ઓફ ધ મેચ રહેલા હરભજન આ ડાબોડી બેટ્સમેન સામે બોલિંગ કરવાનો પડકાર ઝીલવા તૈયાર હશે. પહેલી મેચમાં વિરાટ કોહલી અને ઍબી ડિવિલિયર્સ જેવા ખેલાડીઓને આઉટ કરનાર હરભજનનો ઇરાદો પંતને પણ ઍ માર્ગ પર ઝડપથી મોકલવાનો રહેશે.
