નવી દિલ્હી : આઇપીઍલ ૨૦૧૯ની પાંચમી મેચમાં પોતાના હોમ ગ્રાઉન્ડ પર દિલ્હી ડેરડેવિલ્સે ચેન્નઇ સુપર કિંગ્સ સામે ૨૦ ઓવરમાં ૬ વિકેટના ભોગે ૧૪૭ રન બનાવ્યા હતા, સીઍસકેઍ ૧૯.૪ અોવરમાં ૪ વિકેટના ભોગે ૧૫૦ રન કરીને છ વિકેટે વિજય મેળવ્યો હતો. ૧૨મી સિઝનમાં ધોનીની ટીમનો આ બીજા વિજય થયો છે.
૧૪૮ રનના લક્ષ્યાંક સામે સીઍસકેઍ ઝડપી શરૂઆત તો કરી પણ ત્રીજી ઓવરમાં રાયડુની વિકેટ ગુમાવી હતી. તે પછી વોટસન અને રૈનાઍ ૪ ઓવરમાં ૫૨ રનની ભાગીદારી કરીને ટીમને વિજયના પંથે મુક્યું હતું. વોટસન અને સુરેશ રૈના આઉટ થયા ત્યારે ટીમનો સ્કોર ૧૦.૨ ઓવરમાં ૯૮ રન હતો અને વિજય માટે ૯.૪ ઓવરમાં ૫૦ રનની જરૂર હતી. જો કે તે પછી ધોની અને જાદવ ધીમી બેટિંગ કરીને મેચ અંતિમ અોવર સુધી લઇ આવ્યા હતા અને અંતે ૧૯.૪ ઓવરમાં ૪ વિકેટે ૧૫૦ રન કરીને તેઓ મેચ જીત્યા હતા.
આ પહેલા ટોસ જીતીને દિલ્હી કેપિટલ્સે બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પૃથ્વી શો ૧૬ બોલમાં ૨૪ રન કરીને આઉટ થયો તે પછી દિલ્હીની બેટિંગ થોડી ધીમી થઇ હતી અને ૧૦ ઓવર સુધીમાં બોર્ડ પર ૧ વિકેટે ૬૫ રન જ મુકાયા હતા. શ્રેયસ ઐય્યર આઉટ થયો તે પછી ધવન સાથે જાડાયેલા ઋષભ પંતે સ્કોર બોર્ડ ઝડપથી ફરતું કર્યુ હતું અને બંનેઍ મળીને ઝડપી ૪૧ રનની ભાગીદારી કરી હતી. ૧૬મી ઓવરમાં પંત અને ઇનગ્રામની વિકેટ પડી તે પછી કિમો પોલ પણ આઉટ થયો અને થોડી વારમાં ધવન પણ અર્ધસદી ફટકારી આઉટ થયો અને અંતમિ પાંચ અોવરમાં દિલ્હીની ટીમ ચાર વિકેટ ગુમાવીને માત્ર ૨૯ રન ઉમેરી શકી હતી.
