જયપુર : કિંગ્સ ઇલેવન પંજાબ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે અહીં રમાયેલી આઇપીઍલની ૧૨મી
સિઝનની ચોથી મેચમાં પંજાબના કેપ્ટન રવિચંદ્રન અશ્વિને મેચ જીતવા માટે સાવ નાના બાળકની જેમ ગલીમાં
ક્રિકેટ રમતા હોય ત્યારે જોવા મળે તે રીતે જોસ બટલરને રનઆઉટ કર્યો હતો અને બટલર રનઆઉટ થતાની
સાથે ગેમ બદલાઇ ગઇ હતી અને ઍક તબક્કે જે મેચ રાજસ્થાન સાવ સરળતાથી જીતે તેમ લાગતું હતું તે પંજાબ
૧૪ રને જીતી ગયું હતું.
૧૮૫ રનના લક્ષ્યાંક સામે જોસ બટલરે તોફાની બેટિંગ કરીને ૮ ઓવરમાં જ ૭૮ રન બોર્ડ પર મુકી દીધા હતા.
૪૩ બોલમાં ૬૯ રન સાથે તે રમતમાં હતો ત્યારે રનઆઉટની આ ઘટના બની હતી. ૧૦૮ રન બોર્ડ પર હતા ત્યારે
બટલર આઉટ થયો અને તે પછી ૫૬ રનના ઉમેરામાં ૭ વિકેટ પડી હતી અને ૯ વિકેટે ૧૭૦ રન સુધી જ તેઓ
પહોંચી શક્યા હતા.
આ પહેલા રાજસ્થાન રોયલ્સે ટોસ જીતીને કિ્ંગ્સ ઇલેવન પંજાબને બેટિંગ કરવાનું નિમંત્રણ આપ્યા પછી તેમની
શરૂઆત ખરાબ રહી હતી અને કેઍલ રાહુલ પહેલી જ ઓવરમાં આઉટ થયો હતો. પાવરપ્લેમાં તેમની બેટિંગ
સાવ ધીમી રહી હતી અને ૬ ઓવરમાં સ્કોર ૧ વિકેટે ૩૨ રન હતો. તે પછી ગેલે પહેલા મયંક સાથે ૫૬ રનની
અને તે પછી સરફરાઝ ખાન સાથે ૮૪ રનની ભાગીદારી કરી હતી. ગેલ ૪૭ બોલમાં ૮ ચોગ્ગા અને ૪ છગ્ગાની
મદદથી ૭૯ રન કરીને આઉટ થયો હતો. સરફરાઝ ખાને ૨૯ બોલમાં ૪૬ રનની ઝડપી ઇનિંગ રમી હતી. ક્રિસ
ગેલની ઝડપી અર્ધસદી ઉપરાંત મયંક અગ્રવાલ અને સરફરાઝ ખાન સાથેની તેની અર્ધશતકીય ભાગીદારીઓને
કારણે ૨૦ ઓવરમાં ૪ વિકેટે ૧૮૪ રનનો સ્કોર બનાવ્યો હતો.
