મુંબઇ, : આઇપીઍલની ૧૨મી સિઝનની ત્રીજી મેચમાં રવિવારે દિલ્હી કેપિટલ્સે યુવા વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતની ધુંઆધાર બેટિંગની મદદથી મુકેલા ૨૧૪ રનનો લક્ષ્યાંક સામે મુંબઇ ઇન્ડિયન્સની ટીમ ૯ વિકેટે ૧૭૬ રન સુધી જ પહોંચી શકતા દિલ્હી કેપિટલ્સનો ૩૭ રને વિજય થયો હતો. મુંબઇ ઇન્ડિયન્સ વતી પોતાની પ્રથમ જ મેચમાં યુવરાજ સિંહે અર્ધ સદી ફટકારી હતી.
મોટા ટાર્ગેટ સામે મુંબઇની શરૂઆત ખરાબ રહી હતી અને પાવરપ્લેમાં જ તેમણે ૩ વિકેટ ગુમાવી હતી. તે પછી યુવરાજે પોલાર્ડે સાથે ૫૦ રનની અને કૃણાલ સાથે ૩૯ રનની ભાગીદારી કરી હતી. યુવરાજે ઍક છેડો સાચવી રાખ્યો હતો જ્યારે સામા છેડેથી વિકેટો પડતી રહી હતી. યુવરાજ ૩૫ બોલમાં ૫૩ રન કરીને ૮મી વિકેટ રૂપે આઉટ થયો હતો.
આ પહેલા મુંબઇ ઇન્ડિયન્સે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યા પછી મિચેલ મેક્લેનગને પૃથ્વી શો તેમજ શ્રેયસ ઐય્યરને પેવેલિયન ભેગા કરતાં દિલ્હી કેપિટલ્સની શરૂઆત ખરાબ રહી હતી. શીખર ધવન અને કોલિન ઇનગ્રામે તે પછી ૮૩ રનની ભાગીદારી કરી સ્થિતિ સુધારી હતી. ઇનગ્રામ ૪૭ રન કરીને જ્યારે ધવન ૪૩ રન કરીને આઉટ થયા ત્યારે દિલ્હીનો સ્કોર ૧૬મી અોવરમાં ૪ વિકેટે ૧૩૧ રન હતો. અહીંથી પંતે ધમાલ મચાવી હતી. પંતે કરેલી ફટકાબાજીથી અંતિમ પાંચ અોવરમાં દિલ્હી કેપિટલ્સે ૮૨ રન ઉમેર્યા હતા. આ ઉપરાંત પંત અને રાહુલ તિવેટીયા વચ્ચે ૨.૪ અોવરમાં ૪૮ રનની નોટઆઉટ ભાગીદારી થઇ હતી. પાંચમા ક્રમે બેટિંગમાં ઉતરેલા ઋષભ પંતે ૨૭ બોલમાં ૭ છગ્ગા અને ૭ ચોગ્ગાની મદદથી નોટઆઉટ ૭૮ રન ઝુડી કાઢ્યા હતા.
