અબુધાબી : ઓસ્ટ્રેલિયાની ટીમે અહી રમાયેલી ત્રીજી વનડેમાં પણ પાકિસ્તાનને હરાવીને પાંચ મેચની સિરીઝમાં 3-0ની અજેય સરસાઇ મેળવી લીધી છે. ઓસ્ટ્રેલિયન ટીમે પ્રથમ બેટિંગ કરીને 6 વિકેટના ભોગે 266 રનનો સ્કોર બનાવ્યો હતો, જેના જવાબમાં પાકિસ્તાનની ટીમનો 44.4 ઓવરમાં માત્ર 186 રનમાં વિંટો વળી ગયો હતો. 24 રનમાં 3 વિકેટ ઉપાડનાર પેટ કમિન્સને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો.
અોસ્ટ્રેલિયાઍ ટોસ જીતીને દાવ લેવાનો નિર્ણય કર્યા પછી તેમની શરૂઆત સારી રહી નહોતી અને ઉસ્માન ખ્વાજા પહેલા બોલે જ બોલ્ડ થયો હતો. તે પછી શોન માર્શ આઉટ થયો ત્યારે બોર્ડ પર માત્ર 20 રન હતા. જા કે તે પછી પીટર હેન્ડ્સકોમ્બ અને ઍરોન ફિન્ચે બાજી સંભાળી અને ત્રીજી વિકેટ માટે તેમણે 84 રનની ભાગીદારી કરી હતી, 47 રન કરીને હેન્ડ્સકોમ્બ આઉટ થયો તે પછી સ્ટોઇનીસ પણ સસ્તામાં આઉટ થયો હતો. ફિન્ચે 90 રન કર્યા હતા તો તે પછી રમતમાં આવેલા મેક્સવેલે 55 બોલમાં 75 રન ઝુડી કાઢ્યા હતા, જેના કારણે ઓસ્ટ્રેલિયા 266ના સ્કોર સુધી પહોંચ્યું હતું.
લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી પાકિસ્તાનની શરૂઆત પણ ખરાબ રહી હતી અને 16 રનમાં જ 3 વિકેટ પડી હતી. જો કે ઇમામ ઉલ હક અને કેપ્ટન શોઍબ મલિકે બાજી સંભાળવાનો પ્રયાસ કર્યો પણ વધતી જતી રનરેટના દબાણમાં તેમણે વિકેટ ગુમાવી હતી. ઓસ્ટ્રેલિયા વતી ઍડમ ઝમ્પાઍ 4 તો કમિન્સે 3 વિકેટ લીધી હતી.
