બેંગલુરૂ : આઇપીઍલની 12મી સિઝનની આજની મેચમાં મુંબઇ ઇન્ડિન્સે પ્રથમ દાવ લઇને હાર્દિક પંડ્યાના 14 બોલમાં 32 રનની મદદથી મુકેલા 188 રનના લક્ષ્યાંક સામે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વતી ડિવિલિયર્સની લડાયક ઇનિંગ છતાં જસપ્રીત બુમરાહની જોરદાર બોલિંગને પ્રતાપે મુંબઇની ટીમ 6 રને જીતી હતી.. 18મી ઓવર સુધી મેચ આરસીબીની તરફેણમાં હતી પણ 19મી ઓવરમાં બુમરાહે માત્ર 5 રન આપીને ઍક વિકેટ ઉપાડીને મેચ મુંબઇની તરફેણમાં ફેરવી હતી. 20મી ઓવર નાંખવા આવેલા મલિંગાનો અનુભવ પણ આ વિજયમાં મહત્વનો પુરવાર થયો હતો.
188 રનના લક્ષ્યાંક સામે આરસીબીની શરૂઆત સારી રહી હતી, જો કે તેમી કમનસીબી ઍ રહી હતી કે ટોચના ચાર ખેલાડી જ ડબલ ફિગરમાં પહોંચ્યા હતા. જેમાં ડિવિલિયર્સના 41 બોલમાં 70 રન જ્યારે કોહલીના 32 બોલમાં 46 રન અને પાર્થિવના 22 બોલમાં 31 રન જ મુખ્ય હતા. 20 ઓવરના અંતે આરસીબીની ટીમ 5 વિકેટે 181 રન સુધી જ પહોંચતા મુંબઇનો 6 રને વિજય થયો હતો. બુમરાહે 20 રનમાં 3 વિકેટ ઉપાડી હતી.
વિરાટ કોહલીઍ ટોસ જીતીને બોલિંગનો નિર્ણય કર્યા પછી મુંબઇ ઇન્ડિયન્સે ડી કોક અને રોહિત શર્માની મદદથી જારદાર શરૂઆત કરી હતી. મુંબઇ ઇન્ડિયન્સનો પાવરપ્લેમાં સ્કોર વિના વિકેટે 52 રનનો હતો, જા કે તે પછી ચહલે ડિ કોકની વિકેટ ઉપાડતા મુંબઇની રનગતિ ધીમી થઇ હતી. રોહિત શર્મા 48 રન કરીને આઉટ થયો તે પછી યુવરાજ સિંહે ચહલની ઍક ઓવરમાં સતત ત્રણ છગ્ગા ફટકાર્યા અને ચોથો મારવાના પ્રયાસમાં આઉટ થયો હતો. તે પછી ચહલે સૂર્યકુમાર યાદવ અને કિરોન પોલાર્ડની વિકેટ ઉપાડીને મુંબઇની કમર ભાંગી નાંખી હતી. તે પછી કૃણાલ પંડ્યા અને મિચેલ મેક્લેન્ઘન આઉટ થયો હતો. અહીંથી હાર્દિકે 14 બોલમાં 32 રનની ઇનિંગ રમીને ટીમના સ્કોરને 187 સુધી પહોંચાડ્યો હતો. આરસીબી તરફથી ચહલની 4 ઉપરાંત સિરાઝ અને ઉમેશે 2-2 વિકેટ ઉપાડી હતી.
