મંગળવારે અહીંના ઓલ્ડ ટ્રેફર્ડ મેદાન પર વર્લ્ડકપ ૨૦૧૯મની પહેલી સેમી ફાઇનલમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે મુકાબલો થવાનો છે. જો બંને ટીમના સેમી ફાઇનલ સુધીના પ્રવાસને ધ્યાને લેવામાં આવે તો ભારતીય ટીમ બધી જ બાબતોમાં ન્યુઝીલેન્ડની ટીમ કરતાં બળુકી પુરવાર થઇ છે. ભારતીય ટીમ તેની 9 મેચમાંથી 7 મેચ જીતીને સેમીમાં આવી છે, જ્યારે ન્યુઝીલેન્ડની ટીમ 9 મેચમાંથી 5 મેચ જીતીને સેમીમાં આવી છે, બંને વચ્ચેની ઍક મેચ વરસાદે ધોઇ નાંખી હતી.
જો રન બનાવવાની દૃષ્ટિઍ જાઇઍ તો હાલના આ વર્લ્ડકપમાં ભારતીય ટીમે અત્યાર સુધી કુલ મળીને 2295 રન બનાવ્યા છે, જેની સામે ન્યુઝીલેન્ડે 1674 રન બનાવ્યા છે, મતલબ કે તે રન બનાવવામાં ભારત કરતાં 621 રન પાછળ રહી ગયું છે. વળી આટલા રન બનાવવામાં ન્યુઝીલેન્ડની 51 વિકેટ પડી છે, જ્યારે ભારતીય ટીમે તેમના કરતાં વધુ રન બનાવ્યા છે છતાં તેમની માત્ર 46 વિકેટ જ પડી છે. સદી ફટકારવા મામલે પણ ભારત ન્યુઝીલેન્ડ પર સરસાઇ ધરાવે છે. ભારતીય ટીમે આ વર્લ્ડકપમાં કુલ 7 સદી ફટકારી છે. જેમાં ઍકલા રોહિત શર્માની ઍકલાની 5 સદી છે, જ્યારે 1 શિખર ધવને અને 1 સદી કેઍલ રાહુલે ફટકારી છે. તેની સામે ન્યુઝીલેન્ડે માત્ર 2 સદી ફટકારી છે અને ઍ બંને કેપ્ટન કેન વિલિયમ્સને ફટકારી છે.
વિકેટ લેવા મામલે ભારતીય બોલરોઍ કુલ મળીને 67 વિકેટ લીધી છે, જ્યારે ન્યુઝીલેન્ડના બોલરોઍ કુલ 65 વિકેટ લીધી છે. જો બાઉન્ડરી વડે રન બનાવવાની વાત હોય તો તેમાં પણ ભારતીય ટીમ આગળ રહી છે. ભારતીય ટીમે આ વર્લ્ડકપમાં 31 છગ્ગા અને 196 ચોગગા ફટકાર્યા છે અને તેના કુલ રનમાંથી 970 રન બાઉન્ડરીથી બન્યા છે. બીજી તરફ ન્યુઝીલેન્ડની ટીમે 20 છગ્ગા અને 143 ચોગ્ગા ફટકાર્યા છે અને તેના કુલ રનમાંથી 692 રન બાઉન્ડરીથી બન્યા છે. ભારતે ન્યુઝીલેન્ડ કરતાં 278 રન વધુ બાઉન્ડરીથી બનાવ્યા છે.