કોલકાતા : આઇપીઍલની ૧૨મી સિઝનની બીજી મેચમાં આન્દ્રે રસેલના ધમાકેદાર પરફોર્મન્સથી કોલકાતા નાઇટ રાઇડર્સે સનરાઇઝર્સ હૈદરાબાદને ૬ વિકેટે હરાવ્યું હતું. સનરાઇઝર્સ હૈદરાબાદે મુકેલા ૧૮૨ રનના લક્ષ્યાંકને કોલકાતા નાઇટ રાઇડર્સે ૧૯.૪ ઓવરમાં ચાર વિકેટના ભોગે કબજે કર્યો હતો. ૧૯ બોલમાં ૪૯ રનની ધમાકેદાર ઇનિંગને કારણે રસેલને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો.
નાઇટ રાઇડર્સે ટોસ જીતીને ફિલ્ડીંગ પસંદ કર્યા પછી આ મેચથી આઇપીઍલમાં પાછા ફરેલા ડેવિડ વોર્નરે જોની બેયરસ્ટો સાથે મળીને પ્રથમ વિકેટની ૧૧૮ રનની શતકીય ભાગીદારી કરીને સનરાઇઝર્સને જોરદાર શરૂઆત અપાવી હતી. વોર્નર અંગત ૮૫ રન કરીને આઉટ થયો હતો. ઍક સમયે જે સ્કોર ૨૦૦ પાર જશે ઍવું લાગતું હતું તે પછી ૧૮૧ સુધી જ પહોંચી શક્યો હતો. વિજય શંકરે પણ ૨૪ બોલમાં ૪૦ રનની ઇનિંગ રમી હતી.
મુશ્કેલ ગણાતા લક્ષ્યાંક સામે કેકેઆરની શરૂઆત પણ ખરાબ રહી હતી ટાર્ગેટના હિસાબે તેમની બેટિંગ થોડી ધીમી રહી હતી અને ૧૦ ઓવરના અંતે તેઓ ૧ વિકેટે ૭૦ રન જ કરી શક્યા હતા. વધતી જતી રનરેટના કારણે ઉથપ્પા અને કાર્તિક આઉટ થયા હતા. તે પછી મેદાન પર ૧૬મી ઓવર દરમિયાન લાઇટ બંધ થતાં રમત થોડીવાર અટકી હતી, જેવી રમત શરૂ થઇ કે તરત જ નીતિશ રાણા ૬૮ રને આઉટ થયો હતો.
અહીંથી આન્દ્રે રસેલે શુભમન ગીલ સાથે મળીને જારદાર ફટકાબાજી કરી હતી. તેણે ૧૯ બોલમાં ચાર છગ્ગા, ચાર ચોગ્ગાની મદદથી ૪૯ રન રનની ઇનિંગ રમી હતી અને શુભમન ગીલે ૧૦ બોલમાં બે છગ્ગા સાથે ૧૮ રનની ઇનિંગ રમી હતી. બંનેઍ પાંચમી વિકેટની ભાગીદારીમાં ૪.૧ ઓવરમાં ૬૫ રન ઉમેરીને બે બોલ બાકી હતા ત્યારે જ ટીમને જીતાડી હતી.
