મુંબઇ : આઇપીએલની 12મી સિઝનમાં રાજસ્થાન રોયલ્સ અને કિંગ્સ ઇલેવન પંજાબ વચ્ચેની મેચમાં રવિચંદ્રન અશ્વિને જોસ બટલરને રન આઉટ કર્યો તે અંગે વિવાદ ચાલી રહ્યો છે. આ રીતે રનઆઉટ કરવાને ક્રિકેટની ભાષામાં માકંડેડ આઉટ તરીકે ઓળખવામાં આવે છે, સૌથી પહેલા વિનુ માંકડે આ રીતે કોઇ ખેલાડીને આઉટ કર્યો હતો અને ત્યારથી આ રીતે કોઇ ખેલાડી રનઆઉટ કરે તેને માકંડેડ આઉટ કહેવામાં આવે છે. આ મામલે વિનુ માંકડના પુત્ર રાહુલ માંકડે આ રીતે આઉટ કરવાને માકંડેડ કહેવા સામે વાંધો ઉઠાવતા કહ્યું હતું કે આ પ્રકારના આઉટ સાથે મારા પિતાનું નામ જોડવું એ કમનસીબી છે.
રાહુલ માંકડે કહ્યું હતું કે રનઆઉટ થવાની આ પદ્ધતિ ક્રિકેટના નિયમોમાં છે. એવું નહોતું કે મારા પિતાએ આવું પહેલીવાર કર્યુ કે તેમના પછી કોઇ ન કર્યું. તેમણે કહ્યું હતું કે મને લાગે છે કે આ આઉટને આવું નામ આપનારા ઓસ્ટ્રેલિયન પત્રકાર હતા. જેમણે આ શબ્દનો 40ના દશકમાં પહેલીવાર ઉપયોગ કર્યો હતો. તેમણે વધુમાં કહ્યું હતું કે આઇસીસી અનુસાર આ રીતે આઉટ થનાર પણ રનઆઉટ જ ગણાય. તો તેને એ નામથી જ ઓળખાવો, મારા પિતાનું નામ તેમાં શા માટે જોડો છો એવો સવાલ તેમણે કર્યો હતો.