મુંબઇ : અગાઉની આઇપીએલ સિઝનની જેંમ જ મુંબઇ ઇન્ડિયન્સનો પહેલી જ મેચમાં પરાજય થયો છે. દિલ્હી કેપિટલ્સ સામે મુંબઇ ઇન્ડિયન્સની ટીમ 37 રને હારી ગઇ. મેચ હાર્યા પછી મુંબઇના કેપ્ટન રોહિત શર્માએ સ્વીકાર્યું હતું કે પહેલી મેચ કોઇપણ ટીમ માટે પડકારજનક જ હોય છે. રોહિત શર્માએ કહ્યું હતું કે ટીમમાં ઘણાં બધા નવા ખેલાડી હોય છે તેથી પહેલી મેચ પડકારજનક રહે છે. અમે આજે ઘણી ભુલો કરી અને તેના કારણે આ મેચમાં હારનો સામનો કરવો પડ્યો.
દિલ્હી વતી તોફાની બેટિંગ કરનારા ઋષભ પંતે 27 બોલમાં 78 રન બનાવ્યા હતા અને રોહિતે પણ દિલ્હીના વિજયનું શ્રેય પંતને જ આપ્યું હતું, રોહિતે કહ્યું હતું કે પહેલી 10 ઓવર સુધી મારી ટીમે અંકુશ જાળવી રાખ્યો હતો પણ પંત બેટિંગમાં આવ્યો તેનાથી મેચની દિશા પલટાઇ ગઇ હતી. અમે અમારી યોજનાઓમાં સફળ ન થઇ શક્યા. તેણે કહ્યું હતું કે ટીમમાં ઘણા નવા ખેલાડીઓ છે, તેમની સાથે તાલમેલ બેસાડવામાં થોડો સમય લાગશે. તેણે પહેલી મેચની ભુલો સ્વીકારીને કહ્યું હતું કે હવે પછીની મેચમાં અમે એ ભુલો સુધારવાનો પ્રયાસ કરીશું.
