શ્રીલંકા સામે શનિવારે રમાયેલી મેચમાં ભારતીય ટીમના હીટમેન રોહિત શર્માએ પોતાની શતકીય ઇનિંગની સાથે જ એકસાથે બે રેકોર્ડ પોતાના નામે કર્યા હતા. રોહિત શર્માએ 92 બોલમાં પોતાની સદી પુરી કરી હતી અને તેની સાથે જ તે એક જ વર્લ્ડ કપમાં 5 સદી કરનારો વિશ્વનો પહેલો બેટ્સમેન બન્યો હતો. તેના પહેલા કુમાર સંગાકારાએ 2015ના વર્લ્ડ કપમાં 4 સદી ફટકારી હતી, જ્યારે 1996ના વર્લ્ડકપમાં માર્ક વો, 2003ના વર્લ્ડ કપમાં સૌરવ ગાંગુલી અને 2007ના વર્લ્ડકપમાં મેથ્યુ હેડને 3-3 સદી ફટકારી હતી. રોહિતની વર્લ્ડકપની આ ઓવરઓલ છઠ્ઠી સદી રહી હતી. જ્યારે વનડે કેરિયરની આ તેની 21મી સદી રહી હતી.
તેની સાથે જ તેણે ઓવરઓલ વર્લ્ડ કપમાં 6 સદી ફટકારવાના સચિન તેંદુલકરના રેકોર્ડની બરોબરી કરી લીધી હતી. આ સાથે જ તેણે વર્લ્ડકપના લીગ રાઉન્ડમાં સર્વાધિક રન કરવાનો સચિન તેંદુલકરનો રેકોર્ડ પણ તોડી નાંખ્યો હતો. સચિને 2003ના વર્લ્ડકપમાં લીગ રાઉન્ડમાં 586 રન બનાવ્યા હતા, રોહિતે શનિવારની મેચમાં 103 રનની ઇનિંગ રમી તેની સાથે જ તેણે ગ્રુપ સ્ટેજમાં 647 રન બનાવી લઇને સચિન તેંદુલકરનો ભારતીય રેકોર્ડ અને શાકિબ અલ હસને શુક્રવારે જ બનાવેલા ગ્રુપ સ્ટેજમાં 606 રન બનાવવાનો રેકોર્ડ તોડી નાંખ્યો હતો
.ઍક વર્લ્ડકપના ગ્રુપ સ્ટેજમાં સર્વાધિક રન કરનારા ખેલાડીઓ
ખેલાડી દેશ વર્ષ ઇનિંગ રન ઍવરેજ
રોહિત શર્મા ભારત 2019 8 647 90.66
ડેવિડ વોર્નર ઓસ્ટ્રેલિયા 2019 8 516 73.71
શાકિબ અલ હસન બાંગ્લાદેશ 2019 8 606 86.57
સચિન તેંદુલકર ભારત 2003 9 586 65.11
મેથ્યુ હેડન ઓસ્ટ્રેલિયા 2007 8 580 82.85
ઍરોન ફિન્ચ ઓસ્ટ્રેલિયા 2019 8 504 63.00