મુંબઇઃ ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)માં મુંબઇ ઇન્ડિયન્સ વતી રમતા શ્રીલંકાનો ઝડપી બોલર લસિથ મલિંગા આઇપીએલની 12મી સિઝનની શરૂઆતની છ મેચમાં નહીં રમે. એક અહેવાલ અનુસાર મલિંગાએ આ નિર્ણય વર્લ્ડકપ માટેની ટીમમાં સ્થાન મેળવવા માટે જાતે જ લીધો છે. મલિંગાનું કહેવું છે કે તેણે આઇપીએલમાં રમવા માટે શ્રીલંકન બોર્ડ પાસે એનઓસી માગ્યું હતું પણ બોર્ડ દ્વારા એવું કહેવાયું હતું કે તમામ ખેલાડી જે વર્લ્ડ કપમાં રમવા માગતા હોય તેમણે ઘરઆંગણેની ટુર્નામેન્ટમાં પાછા ફરવું પડશે.
મલિંગાએ સાથે જ એવું કહ્યું છે કે તેમની આ વાતને કારણે મેં તેમને કહી દીધું છે કે હું પ્રાંતિય ટુર્નામેન્ટમાં રમીશ. તેણે બોર્ડને એવું પણ કહ્યું છે કે હું મુંબઇની ટીમને આ બાબતે માહિતગાર કરી દઇશ, કારણકે આ મારો પોતાનો નિર્ણય છે. હું મારા દેશ માટે આ કરી રહ્યો છું અને તેના માટે હું ટી-20 લીગની મારી કમાણી ગુમાવવા માટે તૈયાર છું એવું તેણે ઉમેર્યું હતું.
એ ઉલ્લેખનીય છે કે શ્રીલંકાની ટીમના પસંદગીકારોએ પોતાના ખેલાડીઓને કહી દીધુ છે કે વર્લ્ડકપમાં રમવા માટે તેમણે આગામી સુપર પ્રાંતિય ડોમેસ્ટિક વનડે ટૂર્નામેન્ટમાં રમવું પડશે અને તેના કારણે મલિંગાએ આ નિર્ણય લીધો છે.
