મુંબઇ : શનિવારે શ્રીલંકાના ઝડપી બોલર લસિથ મલિંગાએ શરૂઆતની છ મેચ ન રમી શકવાની વાત કરીને મુંબઇ ઇન્ડિયન્સ ટીમને ઝાટકો આપ્યા પછી હવે રોહિત શર્માની આગેવાની હેઠળની મુંબઇ ઇન્ડિયન્સને બીજો ઝાટકો એડમ મિલ્ને રૂપે વાગ્યો છે. આઇપીએલ 2019ની હરાજી દરમિયાન મુંબઇ ઇન્ડિયન્સે ન્યુઝીલેન્ડના ઝડપી બોલર એડમ મિલ્નેને 75 લાખ રૂપિયામાં પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. જો કે એવા અહેવાલ આવ્યા છે કે તેને એડીમાં ઇજા થઇ હોવાથી તે આઇપીએલમાંથી આઉટ થઇ ગયો છે.
મિલ્નેની ઇજા બાબતે ફ્રેન્ચાઇઝી મુંબઇ ઇન્ડિયન્સ તરફથી કોઇ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી. એવું માનવામાં આવે છે કે મુંબઇની ટીમ તેના રિપ્લેસમેન્ટ તરીકે વેસ્ટઇન્ડિઝના ઝડપી બોલર અલઝારી જોસેફને ટીમમાં સામેલ કરવાના પ્રયાસમાં જોતરાઇ છે. આઇપીએલના નિયમોનુસાર કોઇપણ રિપ્લેસમેન્ટ માટે ઓરિજિનલ ખેલાડી કરતાં રિપ્લેસ કરાયેલા ખેલાડીને વધુ રકમ આપી શકાતી નથી. મતલબ કે મિલ્નેના સ્થાને લેવાનારા ખેલાડીને 75 લાખથી વધુની રકમ આપી નહીં શકાય. મુંબઇની પ્રથમ મેચ રવિવારે દિલ્હી કેપિટલ્સ સાથે છે. તેની પાસે હાલમાં વિદેશી બોલર તરીકે મિચેલ મેક્લેનગન અને બેન કટિંગ ઉપલબ્ધ છે.
