ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી ત્રીજી વનડે મેચમાં ભારતીય ટીમ આર્મી કેપ્સ પહેરીને રમી રહી છે. આ આર્મી કેપ્સ ખુદ મહેન્દ્ર સિંહ ધોનીએ ભારતીય ટીમના તમામ પ્લેયર્સને પોતાના હાથથી આપી હતી. ભારતીય સેનાના પરાક્રમ, બલિદાન અને સાહસનું સમ્માન કરતા બીસીસીઆઈએ આ પગલું ભર્યું છે.
ભારતીય ટીમ આજે જ્યારે ધોનીના હોમ ગ્રાઉન્ડ પર ઉતરી ત્યારે તેનો નજારો કંઈક અલગ જ હતો. આવો નજારો ક્રિકેટના મેદાનમાં આ પહેલા કદાચ ક્યારેય નથી જોવા મળ્યો. ટૉસ ઉછાળ્યા પહેલા ભારતીય ટીમના તમામ પ્લેયર્સને ધોનીએ આર્મીની કેપ આપી હતી
ટૉસ ઉછાળતી વખતે કેપ્ટન વિરાટ કોહલીએ આર્મી કેપ પહેરી રાખી હતી. સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર, આ આઈડિયા બીસીસીઆઈને મહેન્દ્ર સિંહ ધોની અને કેપ્ટન વિરાટ કોહલીએ આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે, ધોની પ્રાદેશિક સેનામાં લેફ્ટનન્ટ કર્નલ પણ છે.
ટૉસ ઉછાળતી વખતે કોહલીએ જણાવ્યું કે આ મેચની ફી તેઓ નેશનલ ડિફેન્સ ફન્ડમાં દાન આપવાના છે. આટલું જ નહીં ઓસ્ટ્રેલિયાના ‘પિંક ટેસ્ટ’ અને સાઉથ આફ્રિકાના ‘પિંક વનડે’ની જેમ હવે ભારતીય ટીમ પણ દર વર્ષે એક મેચ આર્મી કેપ પહેરીને રમશે.