નવી દિલ્હી : શ્રીલંકાના ઝડપી બોલર લસિથ મલિંગાએ એક અનોખો કમાલ કરીને 24 કલાકની અંદર બે અલગ અલગ દેશમાં બે અલગઅલગ ટુર્નામેન્ટ રમીને એક ટી-20 અને એક વનડે રમીને કુલ 10 વિકેટ ઉપાડી હતી,. મલિંગાએ બુધવારે વાનખેડે સ્ટેડિયમમાં મુંબઇ ઇન્ડિયન્સ વતી ચેન્નઇ સુપર કિંગ્સ સામે આઇપીએલની મેચ રમી હતી, અને તે પછી તે સ્વદેશ પરત ફર્યો હતો અને ત્યાં તેણે એક વનડે રમી હતી.
મુંબઇ ઇન્ડિયન્સ વતી રમેલી મેચમાં મલિંગાએ ચેન્નઇ સુપર કિંગ્સ સામે જોરદાર બોલિંગ કરીને 4 ઓવરમાં 34 રન આપીને 3 વિકેટ ઉપાડી હતી. આ મેચ પુરી થયા પછી તે ગુરૂવારે સવારે કેન્ડી જવા રવાના થયો હતો. શ્રીલંકામાં તેણે સુપર ફોર ટુર્નામેન્ટની એક વનડે મેચ રમી હતી. આ મેચમાં મલિંગાએ ઘાતક બોલિંગ કરીનેં લિસ્ટ-એ મેચમાં પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. તેણે એ મેચમાં 49 રન આપીને 7 વિકેટ ઉપાડી હતી. તેના એ બોલિંગ પ્રદર્શનને કારણે ગોલે કેન્ડીને 156 રને હરાવ્યું હતું. આ રીતે જોઇએ તો મલિંગાએ 24 કલાકની અંદર જ 83 રન આપીને કુલ 10 વિકેટ ઉપાડી હતી એમ કહી શકાય.
સનરાઝર્સ સામેની મેચમાં મલિંગા મુંબઇની ટીમમાં નહીં હોય
મુંબઇ : ચેન્નઇ સુપર કિંગ્સ સામેના વિજય પછી હવે મુંબઇની ટીમે 6 એપ્રિલે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે રમવાનું છે, હવે જ્યારે મલિંગા વર્લ્ડકપની ટીમમાં સ્થાન મેળવવા માટે જરૂરી ડોમેસ્ટિક ટુર્નામેન્ટ રમવા માટે શ્રીલંકા પરત ફર્યો છે, ત્યારે આ મેચમાં મલિંગ ટીમ સાથે સામેલ નહીં હોય. તે 11 એપ્રિલ સુધી શ્રીલંકામાં ડોમેસ્ટિક ટુર્નામેન્ટમાં રમશે. જો તે આગામી 13મી એપ્રિલે રાજસ્થાન રોયલ્સ સામેની મેચમાં મુંબઇની ટીમ સાથે જોડાઇ જાય તેવી સંભાવના છે.