સેન્ચુરિયન : મર્યાદીત ઓવરોના ફોર્મેટમાં શ્રીલંકાની ટીમના કેપ્ટન અને ઝડપી બોલર લસિથ મલિંગાએ એવું જાહેર કરી દીધું છે કે આવતા વર્ષે ટી-20 વર્લ્ડ કપ પછી તે ઇન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા કરી દેશે. મલિંગાએ કહ્યું હતું કે તે ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સમાં રમાનારા આગામી વનડે વર્લ્ડકપ પછી વનડે ક્રિકેટને બાય બાય કરશે.
તે પછી ઓક્ટોબર-નવેમ્બર 2020માં ઓસ્ટ્રેલિયા ખાતે રમાનારા આગામી ટી-20 વર્લ્ડકપ પછી તે પોતાની કેરિયર પર અંતિમ પડદો પાડીને ટી-20 ઇન્ટરનેશનલને પણ અલવિદા કરી દેશે. 35 વર્ષિય મલિંગાએ દક્ષિણ આફ્રિકા સામેની બીજી ટી-20માં 16 રને પરાજય મળ્યા પછી કહ્યું હતું કે વિશ્વકપ પછી મારી ક્રિકેટ કેરિયરનો અંત આવશે, હું ટી-20 રમનવા માગુ છું અને 2020ના ટી-20 વર્લ્ડકપ પછી તેના પર પણ પડદો પાડી દઇશ.
મલિંગાએ બીજી-20માં દક્ષિણ આફ્રિકાના રીઝા હેન્ડ્રીક્સને આઉટ કર્યો તેની સાથે જ ઇન્ટરનેશનલ ટી-20માં તેની વિકેટનો આંકડો 97 પર પહોંચ્યો હતો અને હવે તે ટી-20 ઇન્ટરનેશનલમાં સર્વાધિક 98 વિકેટ ઝડપવાનો રેકોર્ડ ધરાવતા પાકિસ્તાનના શાહિદ આફ્રિદી કરતાં માત્ર એક વિકેટ દૂર છે. મલિંગાએ 2004માં પોતાનું વનડે ડેબ્યુ કર્યા પછી અત્ચાર સુધીમાં 218 વનડેમાં 322 વિકેટ ઉપાડી છે, જ્યારે ટી-20 ઇન્ટરનેશનલ ફોર્મેટમાં તેણેં 72 મેચમાં 97 વિકેટ ખેરવી છે.
