રવિવારે પોર્ટ ઓફ સ્પેનમાં રમાયેલી વેસ્ટઇન્ડિઝ સામેની બીજી વનડેમાં ભારતીય ટીમે વિરાટ કોહલીની સદી અને શ્રેયસ ઐય્યરની અર્ધસદીની મદદથી 50 ઓવરમાં 7 વિકેટના ભોગે 279 રનનો સ્કોર બનાવીને યજમાન ટીમ સામે 280 રનનો પડકાર મુક્યો હતો.
ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ સતત પાંચમીવાર ટોસ જીત્યો હતો અને તેણે દાવ લેવાનો નિર્ણય લીધો હતો. જો કે શિખર ધવન ફરી એકવાર ફેલ જવાને કારણે ભારતીય ટીમની શરૂઆત ખરાબ રહી હતી. ધવન માત્ર 2 રન કરીને આઉટ થયો હતો. તે પછી રોહિત શર્મા સાથે રમતમાં જોડાયેલા વિરાટ કોહલીએ શરૂઆતથી જ ફટકા મારવાનું શરૂ કરીને અલગ મુડમાં હોવાનું જાહેર કરી દીધું હતુ. વિરાટ અને રોહિત વચ્ચે 74 રનની ભાગીદારી થઇ હતી, જો કે તેમાં રોહિતના માત્ર 18 રન હતા, રોહિત 34 બોલમાં 18 રન કરીને આઉટ થયો અને પંત 20 રન કરીને આઉટ થયો હતો.
કોહલી અને ઐય્યર વચ્ચે 125 રનની મજબૂત ભાગીદારી થઇ
કોહલી સાથે શ્રેયસ ઐય્યર જોડાયો હતો અને બંને વચ્ચે 125 રનની મજબૂત ભાગીદારી થઇ હતી. સ્કોર 226 પર પહોંચ્યો ત્યારે કોહલી આઉટ થયો હતો. તે પછી સ્કોર 250 પર પહોંચ્યો ત્યારે ઐય્યર 71 રન કરીને આઉટ થયો હતો. તે પછી અંતે ભારતીય ટીમનો સ્કોર નિર્ધારિત 50 ઓવરમાં 7 વિકેટે 279 રન કર્યા હતા.