ત્રીજી ટી-20માં દક્ષિણ આફ્રિકાની ટીમે કરેલી સંયમિત બોલિંગના પ્રતાપે ભારતીય ટીમ 20 ઓવરમાં 9 વિકેટે માત્ર 134 રન જ બનાવી શકી હતી. ભારતીય ટીમે મુકેલા 135 રનનો લક્ષ્યાંકને દક્ષિણ આફ્રિકાએ કેપ્ટન ક્વિન્ટોન ડિ કોકની નોટઆઉટ 79 રનની ઇનિંગને કારણે 16.5 ઓવરમાં જ માત્ર 1 વિકેટના ભોગે 19 બોલ બાકી રાખીને 9 વિકેટે વિજય મેળવ્યો હતો.
ડિ કોકની નોટઆઉટ ઇનિંગને કારણે 19 બોલ બાકી રાખીને દક્ષિણ આફ્રિકાએ મેચ જીતી લીધી
135 રનના લક્ષ્યાંક સામે દક્ષિણ આફ્રિકાએ 10 ઓવરમાં 76 રન બનાવી લીધા હતા અને આ સ્કોર પર જ તેમણે રિઝા હેન્ડ્રીક્સના રૂપમાં પહેલી વિકેટ ગુમાવી હતી. તે 28 રન કરીને આઉટ થયો હતો. તે પછી ડિ કોક અને ટેમ્બા બાવુમા મળીને ટીમને વિજય સુધી દોરી ગયા હતા. 16.5 ઓવરમાં દક્ષિણ આફ્રિકાએ 140 રન બનાવીને 9 વિકેટે જીત મેળવી ત્યારે ડિ કોક 79 અને બાવુમા 27 રને નોટઆઉટ રહ્યા હતા. ભારતીય ટીમ વતી એકમાત્ર સફળતા હાર્દિક પંડ્યાએ મેળવી હતી.
આ પહેલા ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો તે પછી ભારતીય ટીમના દાવની શરૂઆત ખરાબ રહી હતી, રોહિત શર્મા માત્ર 8 રન કરીને આઉટ થયો અને તે પછી ધવને એક છેડેથી ફટકાબાજી ચાલુ રાખી હતી. જો કે 8મી ઓવરમાં સ્કોર 63 રન હતો ત્યારે તે 25 બોલમાં 36 રન કરીને આઉટ થયો હતો. તે પછી કોહલી પણ માત્ર 9 રન કરીને આઉટ થયો હતો. પંત જવાબદારીપૂર્વકની ઇનિંગ રમવામાં ફરી નિષ્ફળ ગયો અને તે માત્ર 19 રને કરીને આઉટ થયો હતો. અંતિમ ઓવરોમાં રિવન્દ્ર જાડેજાએ 19 જ્યારે હાર્દિકે 14 રની ઇનિંગ રમી હતી. દક્ષિણ આફ્રિકા તરફથી કગિસો રબાડા 3 જ્યારે બ્યુરન હેન્ડ્રીક્સ અને બ્યોર્ન ફોર્ચ્યુન 2-2 તેમજ તબરેઝ શમ્સીએ 1 વિકેટ ઉપાડી હતી.