નવી દિલ્હી : ભારતીય ટેસ્ટ ટીમના વાઇસ કેપ્ટન અજિંકેય રહાણેઍ આ વર્ષે મે, જૂન અને મિડ જુલાઇ સુધી કાઉન્ટી ક્રિકેટ ક્લબ હેમ્પશાયર માટે રમવા માટે બીસીસીઆઇ પાસે મંજૂરી માગી છે. રહાણેઍ આ સંબંઘે ઍક ઇમેલ બીસીસીઆઇને મોકલ્યો છે. જેને બોર્ડ દ્વારા સુપ્રીમ કોર્ટે નિમેલી વહીવટદારોની સમિતિને મોકલાવી દીધો છે. ઇમેલમાં રહાણેઍ જણાવ્યા અનુસાર બોર્ડ તેને ચાર દિવસીય મેચ હેમ્પશાયર વતી રમવા માટે મંજૂરી આપે ઍવું રહાણે ઇચ્છે છે. રહાણેનો વર્લ્ડકપ માટેની ટીમમાં સમાવેશ થયો નથી. રહાણેના આ ઇમેલને બોર્ડના સીઇઓ રાહુલ જાહરીઍ વહીવટદારોની સમિતિને મોકલાવી દીધો છે.
બોર્ડના ઍક સિનિયર અધિકારીઍ કહ્યું હતું કે રહાણેને હેમ્પશાયર વતી રમવાની મંજૂરી ન મળે તેના માટે કોઇ કારણ જણાતું નથી. ગત વર્ષે વિરાટ કોહલીને પણ સરે વતી રમવાની મંજૂરી મળી હતી. જ્યારે ચેતેશ્વર પુજારાને પણ કાઉન્ટી રમવાની મંજૂરી મળી હતી અને ઇશાંત શર્મા પણ સસેક્સ માટે રમ્યો હતો.