કરાચી : પાકિસ્તાની ખેલાડીઓની ફિટનેસ હંમેશા ચિંતાનો વિષય રહી છે. હવે જ્યારે વર્લ્ડ કપ શરૂ થવા આડે મહીનાથી પણ ઓછો સમય બચ્યો છે ત્યારે ફરી એકવાર પાકિસ્તાની ખેલાડીઓની ફિટનેસ અને ડાયેટ પ્લાન ચર્ચાનો વિષય બની ગયા છે. પાકિસ્તાની ખેલાડીઓની ફિટનેસ બાબતે સવાલ કરનારાઓમાં હવે માજી દિગ્ગજ ઓલરાઉન્ડર અને કેપ્ટન વાસીમ અકરમનું નામ જોડાયું છે.
અકરમે પાકિસ્તાની ટીમ મેનેજમેન્ટની ટીકા કરતાં કહ્યું હતું કે ખેલાડીઓને હજુ પણ બિરયાની ખવડાવવામાં આવી રહી છે. પાકિસ્તાની પત્રકાર સાદ સાજિદના જણાવ્યા અનુસાર વસીમ અકરમે કહ્યું છે કે પાકિસ્તાની ખેલાડીઓને હજુ પણ બિરયાની ખવડાવવામાં આવે છે અને તમે ચેમ્પિયન્સનો મુકાબલો બિરયાની ખવડાવીને ન કરી શકો. એ ઉલ્લેખનીય છે કે પાકિસ્તાની ટીમ હાલમાં જ પોતાના બીજા ઘર ગણાતા યુએઇમાં ઓસ્ટ્રેલિયા સામેની વનડે સિરીઝમાં 0-5થી પરાસ્ત થઇ ચુક્યું છે.
ખુદ પાકિસ્તાની કોચ મીખી આર્થરે એવું કહ્યું હતું કે આ પ્રવાસમાં અમારી ફિટનેસનું લેવલ અને ફિલ્ડીંગ એવી નહોતી જેવી હોવી જોઇએ. જો કે પાકિસ્તાને વર્લ્ડ કપ માટે 23 સંભવિતોની પસંદગી કરી લીધી છે અને આ સંભવિત ખેલાડીઓનો 15-16 એપ્રિલે લાહોર સ્થિત નેશનલ ક્રિકેટ એકેડમીમાં એક ફિટનેસ કેમ્પ શરૂ થવાનો છે અને તેમાંથી વર્લ્ડ કપ માટે 15 ખેલાડીઓની પસંદગી થવાની છે.