લંડન : ઇંગ્લેન્ડની વર્લ્ડ કપ ટીમમાં પસંદ કરાયેલો ઓપનિંગ બેટ્સમેન એલેક્સ હેલ્સ તાજેતરમાં ડ્રગ્સના નશામાં ધૂત હાલતમાં મળી આવ્યો હતો. તેના કારણે હેલ્સ નોટિંગહોમ શાયર વતી કાઉન્ટી મેચમાં પણ રમી શક્યો નહોતો. આ મેચ પહેલા તમામ ખેલાડીઓનો ડોપ ટેસ્ટ કરવામાં આવ્યો હતો જેમાં એલેક્સ હેલ્સ ફેલ ગયો ગયો હતો. ડ્રગ્સ ટેસ્ટમાં ફેલ થવાના કારણે તેના પર 21 દિવસનો પ્રતિબંધ લાગુ કરાયો હતો. તે પછી વર્લ્ડ કપની ટીમમાં તેની પસંદગી થઇ અને તે અંગત કારણોને આગળ ધરીને રજા પર ઉતરી ગયો હતો.
સત્તાવાર જાહેર કરવાના બદલે ઇસીબી દ્વારા આખા પ્રકરણમાં ચુપકીદી સાધી રાખવામાં આવી
આ આખા પ્રકરણમાં સૌથી મોટી વાત એ છે કે આ સંબંધે ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ દ્વારા સત્તાવાર કોઇ માહિત જાહેર કરવામાં આવી નથી. આ વાતનો ઘટસ્ફોટ તો ઇંગ્લેન્ડના જ એક અખબારે કર્યો છે. આ વાત બહાર આવ્યા છતાં ઇસીબીએ હજુ પણ પ્રકરણ મામલે ચુપકીદી સાધી રાખી છે. આ મામલે સવાલ કરવામાં આવતા ઇસીબીના પ્રવક્તાએ જવાબ વાળ્યો હતો કે અમારી પાસે ગોપનિયતાનો અધિકાર (રાઇટ ટુ પ્રાઇવસી) છે. તેથી અમે આ મામલે વધુ કોઇ ટીપ્પણી કરી શકીએ તેમ નથી. એ ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા એવા અહેવાલો આવ્યા હતા કે એલેક્સ હેલ્સ અંગત કારણોસર રજા પર ઉતરી ગયો છે. હાલ તે ક્યાં છે તે અંગે કોઇને કંઇ ખબર નથી.
હેલ્સ દ્વારા બ્રેક લેવાની વાત પછી નવો ઘટસ્ફોટ થતાં ઇંગ્લેન્ડના રમત જગતમાં ભુકંપ
તેણે જ્યારે થોડો સમયનો બ્રેક લેવાની વાત કરી હતી ત્યારે ઇંગ્લેન્ડમાં એ સમાચારે કુતુહલ જગાવ્યું હતું, ત્યારે હવે આ નવો ઘટસ્ફોટ થતાં ઇંગ્લેન્ડના રમત જગતમાં જાણે કે ભુકંપ આવ્યો હોય તેવું લાગી રહ્યું છે. અને હવે એલેક્સને ટીમમાં રાખવો કે ન રાખવો એ મામલે ચર્ચાઓ શરૂ થઇ ગઇ છે. હેલ્સ તેની કેરિયરમાં બીજીવાર ડ્રગ્સ ટેસ્ટમાં ફેલ થયો છે. હેલ્સે ડ્રગ્સનું સેવન કર્યું હોવાનો ખુલાસો ઇંગ્લેન્ડમાં પ્રોફેશનલ ક્રિકેટરોના દરેક સિઝનની શરૂઆત અને અંતમાં કરવામાં આવતા હેર ફાલકલ ટેસ્ટથી થયો હતો. આ ટેસ્ટમાં ત્રણ મહિના સુધી લેવાયેલા પદાર્થોની માહિતી આપી શકે તેવી સિસ્ટમ છે.