હૈદરાબાદ : આઇપીઍલની ૧૨મી સિઝનની રવિવારની બીજી મેચમાં મુંબઇ ઇન્ડિયન્સે મુકેલા 137 રનના લક્ષ્યાંક સામે મુંબઇના અલઝારી જાસેફની 12 રનમાં 6 વિકેટને પગલે સનરાઇઝર્સ હૈદરાબાદનો 96 રનમાં વિંટો વળી ગયો હતો અને મુંબઇ ઇન્ડિયન્સનો 40 રને વિજય થયો હતો. અંતિમ બે ઓવરોમાં પોલાર્ડે કરેલી ફટાફટીને કારણે કરેલા 39 રન સનરાઇઝર્સને ભારે પડ્યા હતા.
હૈદરાબાદની શરૂઆત સારી રહી નહોતી અને તેમના બંને સ્ટાર ઓપનર 33 રનના સ્કોર પર પેવેલિયન ભેગા થઇ ગયા હતા. શરઆતમાં જ વાગેલા આ ફટકામાંથી હૈદરાબાદ બહાર આવી શક્યું નહોતું અને તે પછી થોડા થોડા રનના ઉમેરામાં તેની વિકેટો પડતી રહી હતી. 62 રનના સ્કોરે તેની અડધી ટીમ પેવેલિયન ભેગી થઇ હતી અને તે પછી 96 રનમાં તેઓ ઓલઆઉટ થયા હતા.
સનરાઇઝર્સ હૈદરાબાદે ટોસ જીતીને ફિલ્ડીંગ કરવાનો નિર્ણય કર્યા પછી દાવ લેવા ઉતરેલી મુંબઇ ઇન્ડિયન્સની ટીમનો કેપ્ટન રોહિત શર્મા ફરી ઍકવાર ફેલ ગયો હતો અને બોર્ડ પર માત્ર 21 રન હતા ત્યારે તે મહંમદ નબીનો શિકાર થયો હતો. તે પછી થોડી જ વારમાં સૂર્યકુમાર યાદવ આઉટ થઇ ગયો હતો. મુંબઇનો સ્કોર 11.4 ઓવરમાં પાંચ વિકેટે 65 રન થયો હતો. મુંબઇઍ છેલ્લી બે ઓવરમાં કુલ 39 રન કર્યા હતા. પોલાર્ડ 26 બોલમાં 4 છગ્ગા અને 4 ચોગ્ગાની મદદથી 46 રન કરીને નોટઆઉટ રહ્યો હતો.