નવી દિલ્હી : યુવા વિકેટકીપર ઋષભ પંત અને અનુભવી બેટ્સમેન અંબાતી રાયડુને બુધવારે બીસીસીઆઇઍ આઇસીસી ક્રિકેટ વર્લ્ડ કપ માટે સ્ટેન્ડ બાય ખેલાડીઓમાં સામેલ કર્યા છે. ઝડપી બોલર નવદીપ સૈનીને પણ વર્લ્ડ કપ માટેના સ્ટેન્ડ બાય ખેલાડીમાં સામેલ કર્યો છે. આમાંથી કોઇપણ ખેલાડીને જો કે ત્યારે જ તક મળશે જ્યારે 15 સભ્યોની ટીમમાં સામેલ કોઇ ખેલાડી ઇજા કે પછી કોઇ અન્ય કારણસર રમવા માટે ઉપલબ્ધ નહીં હોય.
15 સભ્યોમાં સામેલ કોઇ ખેલાડી ઘાયલ થાય તો તેના સ્થાને આ ત્રણમાંથી કોઇ ઍકને તક મળશે
આઇસીસીઍ સંભવિત ખેલાડીઓ પસંદ કરવાની પ્રક્રિયા બંધ કરી છે. જો કે બીસીસીઆઇ પાસે આ ત્રણ ઇપરાંત કોઇ અન્યને પસંદ કરવાનો પણ વિકલ્પ હશે પણ તેની સંભાવના ઘણી ઓછી છે. બીસીસીઆઇના ઍક વરિષ્ઠ અધિકારીઍ બુધવારે માહિતી આપી હતી કે આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફીની જેમ અમારી પાસે ત્રણ સ્ટેન્ડ બાય હશે. ઋષભ પંત પહેલો તો અંબાતી રાયડુ બીજો સ્ટેન્ડ બાય હશે, જ્યારે સૈની આ યાદીમાં સ્ટેન્ડ બાય બોલર તરીકે સામેલ છે.
આ સાથે જ ખલીલ અહેમદ, અોવેશ ખાન અને દીપક ચાહર નેટ બોલર તરીકે ટીમની સાથે જશે. અધિકારીઍ કહ્યુંં હતું કે ટીમ મેનેજમેન્ટને જો જરૂર જણાશે તો તેમને ટીમમાં સામેલ કરી શકાશે. તેમણે વધુમાં કહ્યું હતું કે ખલીલ, ઓવેશ કે દીપક સ્ટેન્ડ બાય નથી. બોલરોમાં તેમના સમાવેશની સંભાવના છે,જો કે વાત જ્યારે બેટ્સમેનની હોય તો તે ક્યાં તો ઋષભ હશે અથવા તો રાયડુ.