હાલના વર્લ્ડ કપમાં પોતાની થયેલી અવગણનાથી નિરાશ થયેલા ભારતીય ટીમના મિડલ અોર્ડર બેટ્સમેન અંબાતી રાયડુઍ બુધવારે કોઇપણ કારણ જાહેર કર્યા વગર ક્રિકેટના તમામ ફોર્મટમાંથી નિવૃત્તિ લઇ લીધી છે. તેણે આ મામલે સત્તાવાર કોઇ જાહેરાત કરી નથી પણ બીસીસીઆઇના ઍક અધિકારી દ્વારા આ ખુલાસો કરાયો છે.
આંધ્રપ્રદેશના 33 વર્ષના ખેલાડીને ઇંગ્લેન્ડમાં રમાતા વર્લ્ડ કપ માટેના સ્ટેન્ડ બાયની યાદીમાં રખાયો હતો, જા કે વિજય શંકર ઘાયલ થયા પછી પણ તેની અવગણના કરવામાં આવતા તે નિરાશ થયો હતો. ટીમ મેનેજમેન્ટે ભાર પૂર્વક અોપનર મયંક અગ્રવાલનો ટીમમાં સમાવેશ કરાવ્યો હતો અને તેના કારણે રાયડુ ઘણો નિરાશ થઇ ગયો હતો. આ ખેલાડીઍ નિવૃત્તિ અંગે કોઇ સત્તાવાર જાહેરાત કરી નથી પણ બીસીસીઆઇના અધિકારીઍ જણાવ્યું હતું કે તેણે પોતાનો આ નિર્ણય બીસીસીઆઇને જણાવી દીધો છે.
અધિકારીઍ જણાવ્યું હતું કે અમને સવારે તેનો ઇમેલ મળ્યો હતો. તેણે કારણ નથી જણાવ્યું કે તે કેમ નિવૃત્તિ લઇ રહ્યો છે. તેણે પોતાના ઇમેલમાં ઍ કેપ્ટનોનો આભાર માન્યો જેના નેતૃત્વ હેઠળ તે રમ્યો હતો અને તેણે બીસીસીઆઇનો પણ આભાર માન્યો હતો. રાયડુઍ ભારત માટે 55 વનડે રમીને 47.05ની ઍવરેજે 1694 રન બનાવ્યા છે. તે ક્યારેય ટેસ્ટ ટીમમાં સામેલ થઇ શક્યો નહોતો.
વર્લ્ડ કપ માટે કોહલીઍ ચોથા ક્રમ માટે રાયડુનું નામ મુક્યું હતું પણ તેના સ્થાને એવું કહીને વિજય શંકરનો સમાવેશ કરાયો કે અમને થ્રી ડાયમેન્શનલ ખેલાડીની ટીમમાં જરૂર છે. તે પછી રાયડુઍ ટ્વિટ કર્યુ હતું કે વર્લ્ડ કપ જોવા માટે તેણે થ્રીડી ચશ્માનો ઓર્ડર કર્યો છે. તેની આ ટીપ્પણી પછી તેને સ્ટેન્ડ બાય ખેલાડીમાં સામલે કરાયો પણ જ્યારે જરૂર પડી ત્યારે તેની અવગણના કરવામાં આવી, તેથી તે હતાશ થયો હોવાની સંભાવના નકારી શકાતી નથી.