એજબેસ્ટન મેદાન પર રમાયેલી આઇસીસી ટેસ્ટ ચેમ્પિયનશિપ અને એશિઝ સિરીઝની પહેલી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાએ નાથન લિયોન અને પેટ કમિન્સની ઘાતક બોલિંગની મદદથી યજમાન ઇંગ્લેન્ડને તેના જ ઘરઆંગણે 251 રને પછાડીને સિરીઝમાં 1-0ની સરસાઇ મેળવવા સાથે ટેસ્ટ ચેમ્પિયનશિપનો વિજયી પ્રારંભ કર્યો હતો. આ ટેસ્ટમાં બોલ ટેમ્પરિંગ પ્રકરણ પછી પહેલીવાર ટેસ્ટ રમવા મેદાને ઉતરીને દાવમાં સદી ફટકારનારા સ્ટીવ સ્મિથને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.
398 રનના લક્ષ્યાંકની સામે ઇગ્લેન્ડે પાંચમા દિવસની શરૂઆત વિવા વિકેટે 13 રનથી કરી હતી અને રમત શરૂ થતાની સાથે જ ઇંગ્લેન્ડને પહેલો ફટકો પડ્યો હતો અને રોરી બર્ન્સ માત્ર 11 રન કરીને આઉટ થયો હતો, તે પછી જેસન રોય અને કેપ્ટન જો રૂટ વચ્ચે 41 રનની ભાગીદારી થઇ હતી, જેને નાથન લિયોને તોડી હતી. લિયોને રોયને આઉટ કર્યો તે પછી 80 રનના સ્કોર પર જો ડેનલી પણ આઉટ થયો હતો તે પછી 85 રનના સ્કોર પર જો રૂટ આઉટ થયો, તે સમયે લંચ બ્રેક પડ્યો હતો. જો કે બ્રેક પછી રમત શરૂ થઇ કે તરત જ 12 રનના ઉમેરામાં તેમણે 3 વધુ વિકેટ ગુમાવતા સ્કોર 85ય4 પરથી 97ય7 થઇ ગયો હતો.
મોઇન અલી અને ક્રિસ વોક્સે થોડો સમય બાજી સંભાળી 39 રનની ભાગીદારી કરી હતી પણ તે પથી નાથન લિયોને મોઇન અલીને બોલ્ડ કર્યો અને તે પછી બાકીની વિકેટો પણ ઝડપથી પડી જતાં ઇંગ્લેન્ડની ઇનિંગ 146 રનમાં સમેટાઇ ગઇ હતી અને ઓસ્ટ્રેલિયા મેચ 251 રને જીતી ગયું હતુ. નાથન લિયોને 49 રનમાં 6 જ્યારે પેટ કમિન્સે 32 રનમાં 4 વિકેટ ઉપાડી હતી.