ટેન્ટબ્રિજ ખાતે રમાયેલી મેચમાં ડેવિડ વોર્નરની શ્રેષ્ઠ સદીની મદદથી ઓસ્ટ્રેલિયાએ બાંગ્લાદેશને 48 રને હરાવ્યું હતું. મેન ઓફ ઘ મેચ ડેવિડ વોર્નરની 166 રનની ઇનિંગની સાથે ઉસ્માન ખ્વાજા અને કેપ્ટન એરોન ફિન્ચની અર્ધ સદીના કારણે ઓસ્ટ્રેલિયાએ 50 ઓવરમાં 5 વિકેટે 381 રનનો સ્કોર બનાવ્યો હતો, જેના જવાબમાં મુશ્ફીકર રહીમની સદી છતાં બાંગ્લાદેશ 8 વિકેટે 333 રન સુધી જ પહોંચી શકી હતી.
382 રનના લક્ષ્યાંક સામે બાંગ્લાદેશની શરૂઆત ખરાબ રહી હતી અને ચોથી ઓવરમાં 23 રનના સ્કોર પર સૌમ્ય સરકાર રનઆઉટ થયો હતો. તમિમ ઇકબાલ અને શાકિબ અલ હસને 79 રનની ભાગીદારી કરીને સ્કોરને 100 પાર પહોંચાડ્યો હતો અને તે પછી શાકીબ અલ હસન અંગત 41 રને આઉટ થયો હતો. તમિમ 62 રનની ઇનિંગ રમીને આઉટ થયો હતો અને તે પછી લિટન દાસ પણ 20 રન કરીને આઉટ થયો હતો. અંત સમયે રહીમ અને મહમુદુલ્લાહે 127 રનની ભાગીદારી કરી હતી, જો કે તેઓ બાંગ્લાદેશને જીતાડી શક્યા નહોતા. મહમુદુલ્લાહ 69 રન કરીને આઉટ થયો અને તે પછી બાંગ્લાદેશની ટીમ 8 વિકેટે 233 રન સુધી પહોંચી શકી હતી. ઓસ્ટ્રેલિયા તરફથી નાનથ કુલ્ટર નાઇલ, મિચેલ સ્ટાર્ક અને માર્કસ સ્ટોઇનિસે 2-2 જ્યારે એડમ ઝમ્પાએ 1 વિકેટ લીધી હતી.
આ પહેલા ઓસ્ટ્રેલિયાને એરોન ફિન્ચ અને ડેવિડ વોર્નરે ઓસ્ટ્રેલિયાને ફરી એકવાર સારી શરૂઆત અપાવી હતી અને બંનેએ મળીને 20.5 ઓવરમાં 121 રનની ભાગીદારી કરી હતી અને આ સ્કોર પર જ ફિન્ચ 53 રન કરીને આઉટ થયો હતો, તે પછી વોર્નર અને ઉસ્માન ખ્વજાએ મળીને 192 રનની ભાગીદારી કરી હતી. વોર્નરે 110 બોલમાં વર્લ્ડ કપમાં પોતાની બીજી સદી પુરી કરી હતી. અને તે પછી 139 બોલમાં તેણે 150 રન પુરા કર્યા હતા. મતલબ 29 બોલમાં તેણે બીજા 50 રન ફટકાર્યા હતા. અંતે તે 147 બોલમાં 166 રન કરીને આઉટ થયો હતો. મેક્સવેલે 10 બોલમાં 32 રન કરીને આઉટ થયો હતો. અને અંતે ઓસ્ટ્રેલિયાએ 5 વિકેટે 381 રન બનાવ્યા હતા.