જોશ હેઝલવૂડની ઘાતક બોલિંગની મદદથી ઓસ્ટ્રેલિયાએ ત્રીજી ટેસ્ટના પાંચમાં દિવસે ઇંગ્લેન્ડની ટીમને ફક્ત ૨૧૮ રનમાં ઓલ આઉટ કરી એક ઇનિંગ્સ અને ૪૧ રનથી ભવ્ય જીત મેળવી હતી. આ સાથે જ ઓસ્ટ્રેલિયાએ શ્રેણીમાં સતત ત્રીજી જીત મેળવી શ્રેણીમાં ૩-૦થી અજેય લીડ મેળવી લીધી છે. ઓસ્ટ્રેલિયા તરફથી પ્રથમ ઇનિંગ્સમાં ૨૩૯ રનની કેપ્ટન ઇનિંગ્સ રમનાર સ્ટીવન સ્મિથને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.
ઓસ્ટ્રેલિયાએ રચ્યો ઇતિહાસ:
આ જીત ઓસ્ટ્રેલિયા માટે ખુબ જ ખાસ છે કેમકે આ કાંગારૂ ટીમની ૩૩ મી એસીઝ સીરીઝ જીત છે. ઓસ્ટ્રેલિયાએ ૩૨ વખત એસીઝ સીરીઝ જીતી ચુકેલી ઇંગ્લેન્ડને પાછળ છોડી ટ્રોફી પર કબ્જો કરી લીધો છે.
મેચના ચોથા દિવસે ૨૫૯ રનની વિશાલ લીડ સામે બેટિંગ કરવા ઉતરેલી ઇંગ્લેન્ડની ટીમ વિરવિખેર થઈ ગઈ હતી. એલિસ્ટર કુક અને જો રૂટ એક વખત ફરીથી નિષ્ફળ રહ્યા હતા. જેમ્સ વિન્સે ૫૫ રનની ઇનિંગ જરૂર રમી પરંતુ ચોથા દિવસે અંત સુધી સ્ટાર્કે તેમને આઉટ કરી દીધા હતા. પાંચમા દિવસે ડેવિડ મલાન અને જોહની બેયરસ્ટો પ્રથમ ઇનિંગની જેમ સારી રમત દેખાડી શક્યા નહોતા. ૬૭ મી ઓવરમાં ડેવિડ મલાનના ૫૪ રન પર આઉટ થયા બાદ કોઇપણ બેટ્સમેન ક્રીઝ પર ટકી શક્યા નહોતા. કમિન્સ અને હેઝલવુડે છેલ્લા બેટ્સમેનોને આઉટ કરી ઇંગ્લેન્ડને ૨૧૮ રનમાં ઓલ આઉટ કરી દીધું હતું. ઇંગ્લેન્ડની ટીમ આ મેચમાં ક્યારેય પણ ઓસ્ટ્રેલિયાના બરાબર આવી શકી નહિ અને ત્રણ મેચમાં હારી પૂરી રીતે બહાર થઈ ગઈ છે. ઇંગ્લેન્ડની પાસે હવે પણ બાકી બે મેચ જીતીને ક્લીન સ્વીપથી બચવાની તક છે.
મેચના અંતિમ પાંચમાં દિવસે મેદાન ભીનું હોવાના કારણે રમત થોડી મોડી શરૂ કરવામાં આવી હતી અને ત્યારે એવું લાગતું હતું કે ઇંગ્લેન્ડની ટીમ ટેસ્ટ મેચને ડ્રો કરવામાં સફળ રહેશે. જોકે, ઓસ્ટ્રેલિયાના બોલરોએ કંઇક અલગ જ યોજના બનાવી હતી. દિવસની શરૂઆતમાં જ જોશ હેઝલવૂડે ડેવિડ બેરસ્ટોને અંગત ૧૪ રને બોલ્ડ કરી ઓસ્ટ્રેલિયાની મહત્ત્વની સફળતા અપાવી હતી. તેની વિકેટ પડયા બાદ મોઇન અલીએ મલાન સાથે મળી ૩૯ રનની ભાગદારી નોંધાવી થોડો સંઘર્ષ કર્યો હતો. અહીં લાયને મોઇનઅલીને અને ત્યારબાદ હેઝલવૂડે મલાનને અંગત ૫૪ રને આઉટ કરી ઇંગ્લેન્ડનો પરાજય નિશ્ચિત કરી દીધો હતો. પ્રથમ ઇનિંગ્સમાં સદી ફટકારનારા મલાને બીજી ઇનિંગ્સમાં પણ અર્ધ સદી ફટકારી હતી. મલાનની વિકેટ બાદ ઓસ્ટ્રેલિયન બોલરોએ ઔપચારિકતા પૂરી કરી હતી.
એશિઝમાં કેપ્ટનશિપ કરવી અદ્ભુત છે : સ્મિથ
મેચની સમાપ્તિ બાદ ઓસ્ટ્રેલિયન ટીમના કેપ્ટન સ્ટીવન સ્મિથે જણાવ્યું હતું કે એશિઝમાં વિજેતા ટીમની કેપ્ટનશિપ કરવી અદ્ભુત ક્ષણ છે. આ ટેસ્ટ મેચ માટે અત્યંત મહેનત કરી હતી અને અમને તેનો ફાયદો પણ મળ્યો હતો. જે રીતે અમે પ્રદર્શન કરી પર્થમાં શ્રેણી વિજય મેળવ્યો અને અર્ન પરત મેળવી તે અદ્ભુત છે. ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું હતું અને જ્યારે પણ જરૂર પડી ત્યારે બોલરોએ ૨૦ વિકેટો ઝડપી હતી. અમે સૌ પ્રથમ હવે ઉજવણી કરીશું અને ત્યારબાદ મેલબર્ન માટે રવાના થઇશું.