વેલિંગ્ટન : ન્યુઝીલેન્ડની મહિલા ક્રિકેટર હેલી જેન્સેને ઓસ્ટ્રેલિયન મહિલા ક્રિકેટર નિકોલા હેનકોક સાથે લગ્ન કરી લીધા છે. બંનેઍ ગત અઠવાડિયે લગ્ન કર્યા હતા. હેલી બીગ બેશ લીગની પહેલી બે સિઝનમાં મેલબોર્ન સ્ટાર્સ માટે રમી હતી અને ત્રીજી સિઝનથી તે મેલબોર્ન રેનેગેડ્સ વતી રમી રહી છે. જ્યારે નિકોલા ઓસ્ટ્રેલિયન ટી-20 લીગમાં ટીમ ગ્રીન વતી રમે છે. મેલબોર્ન સ્ટાર્સે આ બંનેના લગ્નનો ફોટો ટ્વિટર પર શેર કરીને બંનેને શુભેચ્છા આપી હતી.
બંનેઍ ધામધૂમથી લગ્ન કર્યા હતા અને તેમણે ઇન્સ્ટાગ્રામ પર પોતાના લગ્નના ફોટા પણ શેર કર્યા હતા. હેલી જેનસન ન્યુઝીલેન્ડની ઝડપી બોલર છે અને તે કીવી ટીમ વતી 7 વનડે અને 20 ટી-20 મેચ રમી ચુકી છે. જ્યારે નિકોલાઍ અત્યાર સુધી ઇન્ટરનેશનલ ડેબ્યુ કર્યુ નથી. આ પહેલા દક્ષિણ આફ્રિકન મહિલા ટીમની અોલરાઉન્ડર ડેન વેન નિકર્ક અને ઝડપી બોલર મારિજોન કેપે ગત વર્ષે જુલાઇમાં લગ્ન કર્યા હતા, તે પછી મહિલા ક્રિકેટરો વચ્ચે થયેલા આ બીજા લગ્ન છે.