આઇસીસી ક્રિકેટ વર્લ્ડકપની ગુરૂવારે અહીંના ઍજબેસ્ટન મેદાન પર રમાનારી બીજી સેમી ફાઇનલમાં યજમાન ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાની ટીમ સામસામે આવવાની છે ત્યારે ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ મંગળવારે અહીં મેદાન પર ખુલ્લા પગે ચાલતા જાવા મળ્યા હતા. તમામ ખેલાડીઓની સાથે કોચ જસ્ટિન લેન્ગર પણ ખુલ્લા પગે જ મેદાનમાં ઉતર્યા હતા.
ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ માત્ર ખુલ્લા પગે ટ્રેનિંગ સેશનમાં જ ભાગ નહોતો લીધો પણ તેઓ તમામે ખુલ્લા પગે જ આખા મેદાનમાં ઍક રાઉન્ડ માર્યો હતો અને ઍ રાઉન્ડ માર્યા પછી તેઓ અડધો કલાકથી વધુ સમય સુધી મેદાનમાં બેસી રહ્યા હતા અને ઍકબીજા સાથે વાતો કરતાં રહ્યા હતા. આમ કરવા પાછળ કોચ જસ્ટિન લેન્ગરનો હાથ હોવાનું જાણવા મળ્યું છે.
શોન માર્શના સ્થાને ટીમમાં સામેલ થયેલા પીટર હેન્ડ્સકોમ્બને જ્યારે આ બાબતે પુછવામાં આવ્યું તો તેણે કહ્યું હતું કે આ મેદાનનું નિરિક્ષણ કરવા માટે કરવામાં આવ્યું હતું.
હેન્ડ્સકોમ્બે કહ્યું હતું કે ખુલ્લા પગોમાં ઘાસનો સારો અનુભવ થાય છે અને તેનાથી મેદાન અંગે અંદાજ આવે છે. સાથે જ તેણે ઍવું પણ કહ્યું હતું કે આ ખુલ્લી અને પ્રામાણિક ચેતવણી પણ હતી. સાથે જ તેણે કહ્યું હતુ કે કેટલાક ખેલાડીઓઍ સેમી ફાઇનલનો તેમના માટે શું અર્થ છે તે બાબતે ખુલ્લા મને વાત કરી હતી.