ઢાકા : બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે (બીસીબી) વર્લ્ડ કપ માટેની પોતાની ટીમની ટી શર્ટના કલર કોમ્બીનેશનમાં ફેરફાર કરવો પડ્યો છે. બીસીબીએ આ પગલું પહેલા બહાર પાડવામાં આવેલી ટી-શર્ટ સામે પ્રશંસકોએ નારાજી બતાવતા ભરવું પડ્યું છે. બીસીબીએ હવે પ્રશંસકોના વિરોધને પગલે બાંગ્લાદેશની ક્રિકેટ ટીમની ટી-શર્ટમાં માત્ર લીલા રંગને બદલે તેમાં લાલ રંગ પણ ઉમેરી દીધો છે.
બાંગ્લાદેશના રાષ્ટ્ર ધ્વજમાં લીલા રંગના બેક ગ્રાઉન્ડ પર એક લાલ રંગનું ગોળાકાર નિશાન છે. પહેલા બીસીબીએ લીલા રંગની ટી શર્ટ બહાર પાડી ત્યારે સોશિયલ મીડિયા પર ટીકાઓનો વરસાદ વરસ્યો હતો. હવે બાંગ્લાદેશે ટી-શર્ટની ડિઝાઇનમાં કરેલા ફેરફાર પછી તેમના દ્વારા આઇસીસી પાસે આ ફેરફાર માટે મંજૂરી માગવામાં આવી છે.
બીસીબીના અઘ્યક્ષ નઝમુલ હસને કહ્યું હતું કે ટી-શર્ટના અનાવરણ પછી હું બોર્ડ ડાયરેક્ટર્સ સાથે ટી-શર્ટની ડિઝાઇન ફરી જોવા બેઠો ત્યારે કોઇએ અમારી ટી-શર્ટમાં લાલ રંગ ન હોવા બાબતે આંગળી ચીંધી. અમે હવે અમારી ટી-શર્ટમાં લાલ રંગ ઉમેરવાનો નિર્ણય કર્યો છે. હસને કહ્યું હતું કે આઇસીસીએ અમને અમારી ટી-શર્ટમાં લાલ રંગ ન રાખવા કહ્યું હતું. અમારી પાસે કોઇ અન્ય મેચ માટે આખી લાલ રંગની એક અન્ય ટી-શર્ટ છે. જેમાં નામ સફેદ અક્ષરે લખાયેલું છે.