બ્રિસ્ટલમાં સતત પડી રહેલા વરસાદને કારણે શ્રીલંકાઍ વર્લ્ડ કપની પોતાની સતત બીજી મેચમાં હરીફ ટીમ સાથે પોઇન્ટની વહેંચણી કરવી પડી છે. બાંગ્લાદેશ સામેની શ્રીલંકાની આજની મેચ પણ ટોસ થયા વગર રદ કરી દેવામાં આવી હતી. છેલ્લા ઘણાં કલાકોથી અહી વરસાદ પડી રહ્યો હતો અને તેના કારણે આ મેચ નહીં જ રમાય તે લગભગ નક્કી જ હતું અને અંતે ઍવું થઇને જ રહ્યું.
વરસાદ બંધ નહીં થતાં અંતે આ મેચ સત્તાવાર રીતે રદ જાહેર થયા પછી શ્રીલંકા અને બાંગ્લાદેશને 1-1 પોઇન્ટ વહેંચી અપાયો હતો. શ્રીલંકાની ટીમની પહેલા આ જ મેદાન પર પાકિસ્તાન સામેની મેચ પણ વરસાદે ધોઇ નાંખી હતી અને તે પછી સતત બીજી મેચ ધોવાઇ જતાં હવે તેમના 4 મેચમાં 4 પોઇન્ટ છે. જ્યારે બાંગ્લાદેશના 4 મેચમાં 3 પોઇન્ટ છે.
જ્યારે આ મેચ શરૂ થવાના સમયે વરસાદ ચાલુ હતો ત્યારે ઍક કલાક પછી મેદાનનું નિરિક્ષણ કરવાનો નિર્ણય લેવાયો હત, પણ વરસાદ અટક્યો જ નહોતો અને તેના કારણે ટોસ પણ કરી શકાયો નહોતો. અત્યાર સુધી આ સાથે વરસાદે કુલ ત્રણ મેચ ધોઇ નાંખી છે. આ પહેલા શ્રીલંકાની પાકિસ્તાન સામેની આ મેદાન પરની મેચ ધોવાઇ હતી. તો સોમવારે વેસ્ટઇન્ડિઝ અને દક્ષિણ આફ્રિકાની મેચ પણ 7.3 ઓવરની રમત પછી વરસાદે ધોઇ નાંખી હતી. આજની મેચ રદ થયા પછી હવે શ્રીલંકા 15 જૂને ઓસ્ટ્રેલિયા સામે રમશે જ્યારે બાંગ્લાદેશ લાંબા વિરામ પછી 17 જૂને વેસ્ટઇન્ડિઝ સામે રમશે.