વર્ષો સુધી નન્નો ભણ્યા પછી હવે ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)એ અંતે નેશનલ એન્ટી ડોપિંગ એજન્સી (નાડા) હેઠળ આવવાની તૈયારી બતાવી છે. રમત સચિવ રાધેશ્યામ જુલાનિયાએ શુક્રવારે આ માહિતી આપી હતી. બીસીસીઆઇના સીઇઓ રાહુલ જોહરી સાથે શુક્રવારે મુલાકાત પછી જુલાનિયાએ કહ્યું હતું કે બીસીસીઆઇએ લેખિતમાં ખાતરી આપી છે કે તેઓ નાડાની એન્ટી ડોપિંગ નીતિનું પાલન કરશે.
રમત સચિવે કહ્યું હતું કે હવેથી તમામ ક્રિકેટરોના એન્ટી ડોપિંગ ટેસ્ટ નાડા જ કરશે, તેમણે એવું પણ કહ્યું હતું કે બીસીસીઆઇએ અમારી સામે ત્રણ મુદ્દા મુક્યા હતા. જેમાં ડોપ ટેસ્ટ કિટની ગુણવત્તા, પેથોલોજિસ્ટની કાબેલિયત અને સેમ્પલ એકત્ર કરવાની પ્રક્રિયાનો સમાવેશ થાય છે. તેમણે એવું ઉમેર્યું હતું કે અમે તેમને આશ્વાસન આપ્યું છે કે તેમને તેમની જરૂરિયાત અનુસારની સુવિધા આપવામાં આવશે, પણ તેની એક કિંમત તેમણે ચુકવવી પડશે, બીસીસીઆઇ કંઇ બધાથી અલગ નથી.
આ તરફ બીસીસીઆઇના સીઇઓ રાહુલ જોહરીએ પણ આ વાતની પુષ્ટિ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે હાં હવે બીસીસીઆઇ નેશનલ એન્ટી ડોપિંગ એજન્સી (નાડા) હેઠળ આવશે. બીસીસીઆઇ નાડાના તમામ નિયમનું પાલન કરવા માટે પ્રતિબદ્ધ છે. જોહરીએ કહ્યું હતું કે અમે કેટલાક મુદ્દાઓ ઉઠાવ્યા હતા, જેના પર રમત સચિવે ધ્યાન આપવાનું કહ્યું છે. અમે ઉચ્ચ કક્ષાના ટેસ્ટ માટેનો વધારાનો ખર્ચો વહન કરવા માટે પણ તૈયારી બતાવી છે.
નાડા હેઠળ આવવાનો નન્નો ભણવા પાછળનું બીસીસીઆઇનું કારણ શું?
અત્યાર સુધી બીસીસીઆઇ નાડા હેઠળ આવવાનો ઇનકાર કરતું રહ્યું હતું. તેમનો એવો દાવો હતો કે તેઓ એક સ્વાયત્ત સંસ્થા છે, કોઇ નેશનલ સ્પોર્ટ્સ ફેડરેશન નથી. બીસીસીઆઇની મુખ્ય ચિંતા વેરઅબાઉટ કોઝની હતી, આ નિયમને કારણ કેટલાક સ્ટાર ખેલાડીઓને તેમની પ્રાઇવસીનો ભંગ થવાની ચિંતા હતી. આ નિયમ હેઠળ દરેક એથ્લેટે પોતે વર્ષ દરમિયાન ક્યાં જશે અને શું કરશે એ દર્શાવવું જરૂરી હોય છે અને તેના માટે એક ફોર્મ ભરવું પડે છે. તેઓ જ્યારે રમતા ન હોય ત્યારે પણ તેમણે નાડાની ડોપ કન્ટ્રોલ ઓફિસે સેમ્પલ કલેક્શન માટે આવવું પડે છે.
બીસીસીઆઇ સત્તાવાર સ્પોર્ટ્સ ફે઼ડરેશન બન્યુ : હવે આરટીઆઇ એક્ટ હેઠળ આવવાનું દબાણ વઘી શકે
ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે (બીસીસીઆઇ) દ્વારા નાડા હેઠળ આવવાની તૈયારી બતાવાઇ તેની સાથે જ એક નવું ડેવલપમેન્ટ એ થયું છે કે બીસીસીઆઇ સત્તવાર નેશનલ સ્પોર્ટ્સ ફેડરેશન પણ બન્યું છે. હવે જ્યારે તે સ્વાયત્ત સંસ્થા મટીને નેશનલ સ્પોર્ટ્સ ફેડરેશન બનશે તેની સાથે જ તેના પર એ દબાણ પણ શરૂ થશે કે તેને સરકારના રાઇટ ટુ ઇન્ફર્મેશન (આરટીઆઇ) એક્ટ હેઠળ લઇ લેવામાં આવે. બીસીસીઆઇ અત્યાર સુધી પોતાને સ્વાયત્ત સંસ્થા ગણાવીને આરટીઆઇ એક્ટ હેઠળ પોતે ન આવી શકે એવી દલીલ કરતું રહ્યું છે અને હવે જ્યારે તેણે નાડા હેઠળ આવવાની તૈયારી બતાવી છે અને નેશનલ સ્પોર્ટ્સ ફેડરેશન પણ તે બન્યું છે ત્યારે તેના પર હવે આરટીઆઇ હેઠળ આવવાનું પણ દબાણ વધે તેવી સંભાવના છે.