ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં નાથન કુલ્ટર નાઇલનો બોલ શિખર ધવનને અંગૂઠામાં વાગતા તેને હેરલાઇન ફ્રેકચર થયાનું આજે કરાયેલા સ્કેનમાં જાહેર થયા પછી માન્ચેસ્ટરથી ઍક કલાકના ડ્રાઇવ પર આવેલા લીડ્સ ખાતે શિખર ધવન ટીમ ઇન્ડિયાના ફિઝિયો પેટ્રિક ફરહર્ટ સાથે નિષ્ણાંતોની સાથે સલાહ મસલત કરી રહ્યા છે. ટીમ ઇન્ડિયાના મેનેજમેન્ટ દ્વારા ધવન જેમ બને તેમ વહેલો સાજો થઇ શકે તેના પ્રયાસ ચાલી રહ્યા છે અને તેના કારણે જ તેના રિપ્લેસમેન્ટ અંગે હજુ કંઇ કહેવાયું નથી.
શિખર ધવનની ઇજા બાબતેનો અંતિમ રિપોર્ટ મંગળવારની મોડી સાંજે આવ્યો હતો, જેમાં તેને હેર લાઇન ફ્રેકચરથી વિશેષ કંઇ ન હોવાનું જાહેર કરાયું હતુ. આ રિપોર્ટ આવ્યા પછી બીસીસીઆઇ અને ટીમ મેનેજમેન્ટ દ્વારા ઍવો નિર્ણય લેવાયો હતો કે આવતા ઍક અઠવાડિયા સુધી ધવનને ટીમના તબીબોના નિરિક્ષણ હેઠળ રખાશે. બીસીસીઆઇ દ્વારા ટ્વિટ કરીને માહિતી અપાઇ હતી કે ટીમ મેનેજમેન્ટે નિર્ણય કર્યો છે કે ધવન ટીમ સાથે ઇંગ્લેન્ડમાં જ રહેશે અને તેને સતત નિરિક્ષણ હેઠળ રખાશે.