ઓસ્ટ્રેલિયા સામે લંડનના લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાયેલી મેચમાં ન્યુઝીલેન્ડના ઝડપી બોલર ટ્રેન્ટ બોલ્ટે હેટ્રિક લઇને ઇતિહાસ રચ્યો હતો. બોલ્ટ ન્યુઝીલેન્ડ વતી વર્લ્ડ કપમાં હેટ્રિક લેનારો પહેલો બોલર બન્યો હતો. બોલ્ટની વનડે કેરિયરની આ બીજી હેટ્રિક રહી હતી, આ પહેલા તેણે 7 નવેમ્બર 2018ના રોજ પાકિસ્તાનના ફખર ઝમાન, બાબર આઝમ અને મહંમદ હાફિઝને આઉટ કરીને હેટ્રિક લીધી હતી.
ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં ટ્રેન્ટ બોલ્ટે 50મી ઓવરના ત્રીજા બોલે ઉસ્માન ખ્વાજાને બોલ્ડ કરીને પહેલી વિકેટ લીધી અને તે પછીના બોલે મિચેલ સ્ટાર્કને આઉટ કર્યો અને તે પછીના બોલે જેસન બેરનડોર્ફને યોર્કર ફેંક્યો જે તેના પગમાં લાગ્યો હતો અને અમ્પાયરે તેને આઉટ આપ્યો હતો, જો કે બેહરનડોર્ફે રિવ્યું લીધો અને તેમાં થર્ડ અમ્પાયરે મેદાન પરના અમ્પાયરનો નિર્ણય જાળવી રાખી તેને આઉટ આપતાં બોલ્ટની હેટ્રિક પુરી થઇ હતી.