અહીં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં અજિંકેય રહાણેની જોરદાર સદી પછી ઝઢપી બોલર જસપ્રીત બુમરાહના ધમાકેદાર પ્રદર્શનની મદદથી ભારતીય ટીમે યજમાન વેસ્ટઇન્ડિઝને 318 રને મોટો પરાજય આપીને બે ટેસ્ટની સિરીઝમાં 1-0ની સરસાઇ મેળવી લીધી હતી. યજમાન ટીમના બેટ્સમેન બુમરાહની સ્વિંગ બોલિંગ સામે સાવ નિસહાય જણાયા હતા અને ટી બ્રેક સુધીમાં જ 100 રનના સ્કોરે તેમનો વિંટો વળી ગયો હતો. અને ભારતીય ટીમે ટેસ્ટ ચેમ્પિયનશિપની શરૂઆત વિજય સાથે કરી હતી.
જસપ્રીત બુમરાહે 8 ઓવરમાં 4 મેઇડન સાથે માત્ર 7 રન આપી 5 વિકેટ ઉપાડી
ભારતીય ટીમે વેસ્ટઇન્ડિઝ સામે 419 રનનો વિશાળ લક્ષ્યાંક મુક્યો હતો. જો કે વિશ્વભરના બેટ્સમેનોમાં પોતાની ધાક જમાવનારા બુમરાહે એવી કાતિલ બોલિંગનું પ્રદર્શન કર્યું હતું કે તેની સામે વેસ્ટઇન્ડિઝના તમામ બેટ્સમેન જાણે કે નિસહાય બની ગયા હતા. બુમરાહની બોલિંગનો કાતિલ અંદાજ તેની બોલિંગ એવરેજ પરથી જ સમજાય જશે. બુમરાહે 8 ઓવર બોલંગ કરી હતી, જેમાંથી 4 ઓવર મેઇડન રહી હતી. તેણે માત્ર 7 રન આપીને 5 વિકેટ ઉપાડી હતી.
50 રનમાં 9 વિકેટ ગુમાવનાર વેસ્ટઇન્ડિઝને કેમાર રોચ અને મેગુએલ કમિન્સે 100 સુધી પહોંચાડ્યું
ભારતીય ટીમે 7 વિકેટે 343 રનના સ્કોર પર પોતાનો બીજો દાવ ડિકલેર કરીને વેસ્ટઇન્ડિઝ સામે 419 રનનો લક્ષ્યાંક મુકયો હતો. તે પછી વેસ્ટઇન્ડિઝની પહેલી વિકેટ 7 રને ક્રેગ બ્રેથવેટના રૂપમાં પડી હતી અને તે પછી એક પછી એક વિકેટનું પતન થતું રહ્યું. બુમરાહ, મહંમદ શમી અને ઇશાંત શર્માની ત્રીપુટીએ કરેલી જોરદાર બોલિંગને કારણે એક તબક્કે વેસ્ટઇન્ડિઝે 50 રનમાં 9 વિકેટ ગુમાવી દીધી હતી. તે પછી કેમાર રોચ અને મિગુએલ કમિન્સે મળીને અંતિમ વિકેટની ભાગીદારીમાં 50 રન ઉમેરીને વેસ્ટઇન્ડિઝને 100 રનના સ્કોરે પહોંચાડ્યું હતું. આ સ્કોર પર જ ઇશાંતે રોચને પંતના હાથમાં ઝિલાવીને તેમની ઇનિંગનું પતન કર્યું હતું.
વિદેશની ધરતી પર ભારતીય ટીમે સૌથી મોટો વિજય મેળવ્યો
ભારતીય ટીમનો આ ઓવરઓલ ચોથો સૌથી મોટો વિજય રહ્યો હતો, પણ વેસ્ટઇન્ડિઝ સામે મેળવેલો આ વિજય વિદેશની ધરતી પર ભારતીય ટીમનો સૌથી મોટો વિજય રહ્યો હતો. આ પહેલા ભારતીય ટીમે 2015-16માં દક્ષિણ આફ્રિકા સામે 337 રને વિજય મેળવ્યો હતો. જે તેમનો અત્યાર સુધીનો સૌથી મોટો વિજય છે, જો કે રવિવારે વેસ્ટઇન્ડિઝ પર મેળવેલો વિજય વિદેશની ધરતી પર ભારતનો સૌથી મોટો વિજય રહ્યો હતો. તેના પહેલા ભારતે શ્રીલંકાને તેની ધરતી પર 304 રને હરાવ્યું હતું.