વેસ્ટઇન્ડિઝ સામેની પહેલી ટેસ્ટમાં કાતિલ બોલિંગ કરીને 7 રનમાં 5 વિકેટ ઉપાડવા સાથે ભારતીય ઝડપી બોલર જસપ્રીત બુમરાહે એક એવું પરાક્રમ કર્યું હતું કે જે દિગ્ગજ બોલરો પણ કરી શક્યા નથી અને આ મામલે તેણે તમામ ભારતીય સહિતના એશિયન દિગ્ગજોને પછાડ્યા છે.
બુમરાહે ટેસ્ટમાં ચોથીવાર એક ઇનિંગમાં 5 કે તેનાથી વધુ વિકેટ ઉપાડી છે અને તેની સાથે જ તેણે એક પ્રભાવક રેકોર્ડ પોતાના નામે કર્યો છે. બુમરાહ દક્ષિણ આફ્રિકા, ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા અને વેસ્ટઇન્ડિઝના પોતાના પહેલા જ પ્રવાસમાં ટેસ્ટની એક ઇનિંગમાં 5 વિકેટ લેનારો માત્ર ભારતનો જ નહીં પણ એશિયાનો પહેલો બોલર બન્યો છે અને ખાસ વાત એ છે કે તેણે માત્ર 11 ટેસ્ટમાં જ આ પરાક્રમ કર્યું છે, જે વસિમ અકરમ, વકાર યુનુસ, કપિલ દેવ, મુથૈયા મુરલીધરન અનિલ કુંબલે અને હરભજન સિંહ નથી કરી શક્યા.